<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાજકોટના ૮ ગેમઝોન સંચાલકો સામે નોંધાયો ગુન્‍હો : હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્‍યું

ક્રિષ્‍ના વોટર પાર્ક, ફન બ્‍લાસ્‍ટ, વર્લ્‍ડ ઓફ વન્‍ડર બોમ્‍બે સુપર મોલ, નોકઆઉટ ગેમઝોન, કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા ગેમઝોન, ઇન્‍ફીનીટી ગેમઝોન, વૃપી વર્લ્‍ડ ગેમઝોનમાં જરૂરી મંજુરીઓ અને ફાયર સેફટીના નિયમોનો ઉલાળીયો થયેલો જોવા મળ્‍યો

રાજકોટ, ૨૯ : TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્‍યમાં કયારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્‍યભરમાં આ પ્રકારની જગ્‍યાઓ પર ખાસ ચેકીંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્‍યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. જે ગેમ ઝોનનું ફાયર NOC તથા લાયસન્‍સ મેળવેલ ન હોય તેવા સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા આદેશ આપવામાં આવ્‍યા છે.

રાજકોટમાં TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં ૨૮ લોકોના મળત્‍યુ થયા બાદ હવે તંત્ર સફાળું જાગ્‍યું છે. ફાયર NOC ન હોય તેવા ૮ ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટના વર્ષો જુના પ્રખ્‍યાત ક્રિષ્‍ના વોટર પાર્ક તેમજ ફન બ્‍લાસ્‍ટ સહિત ૮ ગેમ ઝોન સંચાલકો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતે કોંગ્રેસ અને NSUIએ હોબાળો કર્યો છે. ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્‍થો કયાંથી આવ્‍યો તે અંગે સવાલો ઉઠાવી પુરવઠા અધિકારીનુ રાજીનામું લેવા માંગ કરવામા આવી છે. ચીફ ફાયર ઓફિસરને ડિસમિસ કરવાની માંગ કરી છે.

આજે જે ૮ ગેમઝોન સામે આઇપીસી કલમ ૩૩૬ તથા જીપીએકટ કલમ ૧૩૧ (એ) મુજબ ગુન્‍હો નોંધવામાં આવ્‍યો છે. તેમાં ગેમઝોન ચાલુ કરવાનું લાયસન્‍સ મેળવ્‍યા વગર અને ફાયર સેફટીના પુરતા સાધનો નહિ રાખી માનવ જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન ચલાવી રહયાનું બહાર આવ્‍યું હતું. કુવાડવા રોડ પર આવેલા વર્લ્‍ડ ઓફ બોમ્‍બે સુપર મોલના સંચાલક ભરત રામભાઇ ખાચર, પ્‍લે પોઇન્‍ટ ક્રિસ્‍ટલ મોલ કાલાવડ રોડના સંચાલક હિતેશ રામભાઇ ઓડેદરા, નોકઆઉટ ગેમઝોન સરિતા વિહાર રોડના સંચાલક દિવ્‍યેશ ધીરૂભાઇ કાકડીયા, કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા ગેમઝોનના સંચાલક અંકિત લાલજીભાઇ બોઘાણી, ઇન્‍ફીનીટી ગેમઝોન કાલાવડ રોડના સંચાલક રાજ પરાગભાઇ રૈયાણી, ફન બ્‍લાસ્‍ટ ગેમઝોન, ગીર ગામઠી રેસ્‍ટોરન્‍ટ કટારીયા ચોકડીના સંચાલક આશિષ નરેશભાઇ રાઠોડ, વૃપી વર્લ્‍ડ ગેમઝોન પરસાણા ચોક ૧પ૦ ફુટ રીંગ રોડના સંચાલક પંકજ છગનભાઇ ખોખર અને ક્રિષ્‍ના વોટર પાર્ક કુવાડવા રોડના સંચાલક તન્‍મય કાનનદેવ મુખરજી સામે ગુન્‍હો નોંધવામાં આવ્‍યો છે. આવી જ રીતે સુરત, અમદાવાદ સહીતના શહેરોમાં પણ તંત્ર સફાળુ જાગ્‍યું છે અને બેદરકારી સાથે ગેમઝોન કે મોલ ખોલી બેસેલા સંચાલકો સામે ગુન્‍હો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

(3:14 PM IST)