News of Wednesday, 29th May 2024
વડોદરામાં નબીરાઓ સ્પોટર્સ બાઇકથી હડફેટે લીધેલી યુવતી ૧૧૫ દિવસથી કોમામાં
પરિવારની માગઃ પુણેની જેમ અમને પણ ન્યાય અપાવો

વડોદરા, તા., ર૯: ગત ૭ માર્ચના રોજ ન્યુ અલકાપુરી વિસ્તારમાં એક એવી ભયંકર અકસ્માતની ઘટના બની હતી કે જેમાં એક હસ્તી રમતી દીકરી આજે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. એક ખાનદાની નબીરાએ સ્પોર્ટ્સ બાઈકથી પુરપાટ ઝડપે નેન્સી બાવીસી નામની યુવતીને અડફેટે લઇ ગંભીર ઈજાગ્રસ્ત કરી હતી. નેન્સી આ અકસ્માતમાં કોમામાં સારી પડી હતી. આજે ૧૧૫ દિવસ વીત્યા છતાં પણ પીડિતને ન્યાય મળ્યો નથી. આ ઘટનામાં પોલીસ નેન્સીને ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ હોવાનું પીડિતાના પિતાનું કહેવું છે અને પુણેની જેમ અમને પણ પોલીસ ન્યાય અપાવે. પોલીસે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી હોવાનું કહ્યું છે.
નેન્સી LLBનો અભ્યાસ અને પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી. અને હાલ નેન્સી સારવાર માટે કલાલી વિસ્તારમાં આવેલ રામકળષ્ણ પરમહંસ ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ છે. ૧૧૫ દિવસથી નેન્સી કોમામાં છે. અને પરિવાર રાત દિવસ તેની સજા થવાની પ્રાર્થના કરી રહ્યું છે. પોતાની દીકરીને ખાટલામાં બેસુદ્ધ હાલતમાં જોઈ માતા-પિતાની આંખોના આંસુ નથી સુખાઈ રહ્યા.
નેન્સીના પિતા તુષાર બાવીસીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અકસ્માત સર્જનાર સગીરની અટકાયત પણ કરી હતી પરંતુ બાદમાં તેને છોડી મૂકયો હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છેકે પોલીસે સગીરના પિતા કે બાઈકના માલિક સામે ગુનો નોંધવાની પણ તસ્દી ન લીધી. ખાનદાની નબીરો હોવાના કારણે પોલીસે સમગ્ર મામલે કાચું કાપ્યું છે.
તો બીજ તરફ અકસ્માત બાદ નેન્સીનો પરિવારની હાલત અત્યંત દયનિય બની ગઈ છે. આખો પરિવાર વેરવિખેર થઇ ગયો છે. અકસ્માત બાદ નેન્સીની માતાએ ખાનગી શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી હતી. તેમજ નેન્સીના પિતા પણ વ્યવસાયમાં પૂરતું ધ્યાન નથી આપી શકતા. ૧૧૫ દિવસ બાદ પણ પરિવાર દીકરીના ન્યાય માટે ઝંખી રહ્યો છે.
આ મામલે નેન્સીના પિતા તુષાર બાવીસીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, આરોપીએ બાઇકનો વીમો પકવવા વીમા કંપનીમાં ખોટી માહિતી આપી. સગીર બાઇક ચલાવતો હોવા છતાં અન્ય કોઈને ચાલક તરીકે વીમા સમક્ષ દર્શાવ્યો. લક્ષ્મીપુરા પોલીસે ઘટનામાં કોઇ જ કાર્યવાહી નથી કરી. અમારા પરિવાર અને નેન્સીને ન્યાય પણ નથી અપાવ્યો.
નેન્સીના માતા અને મામાએ જણાવ્યું કે, પુણેની ઘટનામાં પોલીસ ન્યાય અપાવી શકતી હોય તો વડોદરાની ઘટનામાં કેમ નહીં? પુણેની જેમ અમારી નેન્સીને પણ ન્યાય આપવો. સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને નેન્સી અકસ્માત કેસના તપાસ અધિકારી વિજય કુમાર પાંડવે ટેલિફોનિક વાતચીતમાં જાણવ્યું હતું કે, હાલ તપાસ મારી પાસે છે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
