News of Thursday, 30th May 2024
આવતીકાલે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : વિરમગામ ખાતે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ
તમાકુ છોડો, એક પગલું સમજદારી તરફ... તમાકુ ઉદ્યોગોની દખલથી બાળકોનું રક્ષણ : વિશ્વમાં પરોક્ષ ધુમ્રપાનની અસરથી દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે: ડો.ચિંતન દેસાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા)વિરમગામ : વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે પોપેટ શો દ્વારા તમાકુ વિરોધી જનજાગૃતિ કરવામાં આવી હતી. વિશ્વ તમાકુ નિષેધ દિન પૂર્વે તમાકુ છોડો, એક પગલું સમજદારી તરફ... "તમાકુ ઉદ્યોગોની દખલથી બાળકોનું રક્ષણ" વિષય પર પપેટ શો દ્વારા સમજ આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે આયોજિત તાલીમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર, જિલ્લાના અધિકારીઓ, આરબીએસકે ડોક્ટર સહિતના લોકો દ્વારા તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ખાસ કરીને બાળકોને તમાકુ સહિતના વ્યસનોથી દૂર રાખવા એ આપણા સૌની તૈયારી જવાબદારી છે. જો કોઈ વ્યક્તિ તમાકુ સહિતના કોઈપણ વ્યસન છોડવા માગતા હોય તો તેઓ નેશનલ ટોબેકો ક્વીટ લાઈન સર્વિસ ના ટોલ ફ્રી નંબર 1800112356 પર સંપર્ક કરીને સલાહ મેળવી શકે છે.
અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૮૦ લાખ લોકાના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનની અસરથી વિશ્વમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.બી કે વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તમાકુંની આદત છોડવી મુશ્કેલ બાબત નથી. તેમાં નિકોટીન એક મજબુત ઝેરી વ્યસન છે. કોઇ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનુ વ્યશન છોડી શકે છે
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
