<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

પરિણામની પળના ટકોરાઃ કાલે ગુજરાતના રાજકીય ભાવિના દ્વાર ઉઘડશે

અબ હવાએ હી કરેગી રોશની કા ફૈસલા, જીસ દીએ (દીવો) મેં જાન હોગી, વો દિયા રહ જાએગા... લોકસભાની ૨૫ અને ધારાસભાની ૫ બેઠકો માટે ઇ.વી.એમ. ખુલશેઃ ભાજપ, કોંગ્રેસ, ‘આપ' વચ્‍ચે રોમાંચક જંગ ગુજરાતના ૨,૯૧,૫૮,૩૫૨ મતદારોએ ૭મેએ મતદાન કરેલઃ ભાજપને તમામ બેઠકો મળે તો હેટ્રિકઃ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઇ બેઠક જીતી શકે તો રાજકીય નવાજુનીને નિમંત્રણઃ ગુજરાત પર સમગ્ર દેશની નજર

રાજકોટ,તા. ૩: સમગ્ર વિશ્વનું ધ્‍યાન ખેંચનારી ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામ આડે હવે આજનો એક દિવસ બાકી રહ્યો છે. સાત ચરણમાં ચૂંટણી પુરી થયા બાદ આવતીકાલે તા. ૪ મંગળવારે સવારે ૮ વાગ્‍યાથી મત ગણતરી શરૂ થશે. વિશ્વની નજર ભારતના ચૂંટણી પરિણામ પર અને ભારતની નજર ગુજરાતના પરિણામ પર છે. ગુજરાતમાં સુરતની એક બેઠક ભાજપને બિનહરીફ મળી ગયેલ. બાકીની લોકસભાની ૨૫ બેઠકો અને ધારાસભાની ૫ બેઠકોની પેટાચૂંટણીનું કાલે પરિણામ છે. પરિણામની પળના ટકોરા પડતાની સાથે જ કાલે ગુજરાતના રાજકીટ ભાવિના દરવાજા ખુલશે.

ગઇ તા. ૭ મે લોકસભાની ૨૫ બેઠકો માટે ૪.૯૫ કરોઠ પૈકી ૨,૯૧,૫૮,૩૫૨ મતદારોએ મતદાન કરેલ. તે દિવસથી જનાદેશ મત મશીનમાં કેદ થઇ ગયો છે.લોકસભા ઉપરાંત પાંચ ધારાસભ્‍યોના રાજીનામાથી ખાલી પડેલ બેઠકો પર પણ મતદાન થયેલ. આ બેઠકોમાં પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા (વડોદરા)નો સમાવેશ થયા છે.ધારાભ્‍યની પાંચેય બેઠકોમાં ભાજપ-કોંગી વચ્‍ચે સીધો જંગ છે.

ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો પર ચૂંટણી લડે છે. કોંગ્રેસે સમજુતીના ભાગરૂપે ભાવનગર બેઠક અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવેલ બાકીની બેઠકો પર ભાજપ સામે કોંગ્રેસની ટક્કર છે. ગુજરાત વડાપ્રધાન અને કેન્‍દ્રીય ગૃહમંત્રીનું વતનનું રાજ્‍ય હોવાથી હાલ દેશની રાજનીતિમાં વિશેષ મહત્‍વ છે.

રાજ્‍યમાં વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને તમામ ૨૬ બેઠકો મળી હતી. આ વખતે  ૧ બેઠક મતદાન પહેલા જ મળી ગઇ છે. બાકીની ૨૫ બેઠકો મળે તો જીતની હેટ્રિક સર્જાશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અહીં ભાજપના ગઢમાં ગાબડા પાડવા આશાવાદી છે. ભરૂચ બનાસકાંઠા આણંદ, વલસાડ, સાબરકાંઠા,સુરેન્‍દ્રનગર, જૂનાગઢ, જામનગર વગેરે બેઠકો પર તીવ્ર સ્‍પર્ધા હોવાનો ખાલ પ્રચાર દરમિયાન ઉપસ્‍યો હતો. દરેક બેઠકના રાજકીય સમીકરણો અલગ અલગ છે. કાલે બપોર સુધીમાં ચિત્ર સ્‍પષ્‍ટ થઇ જશે.

ગુજરાતમાં એક સમયે ભાજપે તમામ બેઠકો પાંચ લાખથી વધુ સરસાઇથી જીતવાનો સંકલ્‍પ કરી તેનો જોરશોર પ્રચાર કરેલ. ચૂંટણીનો સમય નજીક આવતા પાંચ લાખની સરસાઇનો મુદ્દો પ્રચારમાં નબળો પડી ગયો હતો. જો ગુજરાતમાં ભાજપ બધી જ બેઠકો પર વિજય મેળવે તો લોકપ્રિયતા અકબંધ હોવાનું સાબિત થશે. જો ધારણા મુજબ બે-ચાર બેઠકો ઓછી થાય તો રાજકીય નવાજુનીનો માર્ગ ખુલશે. વિપક્ષનો દેખાવ સારો રહે તો ભવિષ્‍યમાં ભાજપ માટે પડકાર બની શકે છે. લોકસભા અને ધારાસભાની પેટાચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકીય ભવિષ્‍યને નક્કી કરનારૂં બની રહેશે.

(3:10 PM IST)