News of Saturday, 8th June 2024
ભરોસો સ્થાપિત કરવા તમામ સરકારી કર્મીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવાશે
નકારાત્મકતા દૂર કરવા ગીર સોમનાથ કલેકટરનો નવતર પ્રયોગ

અમદાવાદ, તા.૮: રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા પ્રિપ્રપેઇડ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઇ છે પરંતુ તેમાં અનેક ધાંધિયા બહાર આવતા વીજ ગ્રાહકો ભારે વિરોધ કરી રહ્યા છે. આ સ્થિતિમાં સરકારી કચેરીઓ ઉપરાંત જિલ્લામાં જેટલા સરકારી કર્મચારીના ઘર હોય તેમાં પણ સ્માર્ટ મીટર લગાવી નાગરિકોનો વિશ્વાસ જીતવાનો પ્રયોગ ગીર સોમનાથ જિલ્લામાં કરાયો છે. આ માટે કલેક્ટર તંત્ર દ્વારા જિલ્લામાં ૬૨ સરકારી કચેરીના અધિકારીને જાણ કરીને તમામ કર્મચારીના ઘરે સ્માર્ટ મીટર લગાવવા સમજૂતી આપવા જણાવ્યું છે.
સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું ત્યારથી તેમાં વધુ બિલ આવવા, મીટર ઝડપથી ફરવું, પ્રિપ્રપેઇડ ઝડપથી પૂર્ણ થઇ જવું અને ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના કામગીરી જેવી ફરિયાદો બહાર આવી હતી. કેટલાક ગ્રાહકોને લાખો રૂપિયાના બિલ વીજ કંપની દ્વારા અપાયાના બનાવ પણ બહાર આવ્યા હતા. તેના કારણે રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીમાં પહેલા સ્માર્ટ મીટર લગાવાશે તેવી જાહેરાત કરવાની ફરજ પડી હતી. જેમાં સરકારી કર્મચારીઓના ઘરે પણ મીટર લગાવીને વીજ ગ્રાહકોને ભરોસો બેસે તે માટે ગીરપ્રસોમનાથ જિલ્લાએ પહેલ કરી છે. જિલ્લાની તમામ સરકારી કચેરીમાં પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઝડપથી પ્રિ પેઇડ સ્માર્ટ મીટર લગાડવા સાથે તમામ સરકારી કર્મચારીઓના ઘરોમાં સો ટકા સ્માર્ટ મીટરની કામગીરી કરવાની જાહેરાત કરી છે. જેથી સ્માર્ટ મીટર માટે જે નકારાત્મક છબી ઉભી થઇ છે તે દૂર કરવામાં મદદ મળી શકે.
આ પહેલ અંતર્ગત વન વિભાગ, શિક્ષણ વિભાગ, કાર્યપાલક ઇજનેર-વેરાની કચેરીઓ સહિત તમામ કચેરીઓને આ માટે જાણ કરી છે. વહેલી તકે કચેરીઓ ઉપરાંત કર્મચારીઓના ઘરમાં પણ પ્રિ પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ શરૂ કરાશે તેમ કલેકટર તંત્ર દ્વારા જણાવાયું છે. હાલ પીજીવીસીએલની વેરાવળની કચેરી અને કર્મચારીઓના ઘરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
