News of Saturday, 8th June 2024
ગરમીના કારણે શાકભાજીની ખેતી પર અસર જોવા મળી
શાકભાજીના ભાવમાં વધારો : ગરમીની અસર તુરિયા, ગલકા, દુધી, કાકડી, ટામેટા, ગીલોડા સહિત અન્ય શાકભાજીના ઉત્પાદન પર પડી છે

સાબરકાંઠા, તા.૮ : જિલ્લામાં દરેક લોકો ૪૫ ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બન્યા છે. અસહ્ય ગરમીના કારણે શાકભાજીની ખેતી પર અસર જોવા મળી છે, જેની અસર ગૃહિણીઓના બજેટ પર પણ તેની અસર જોવા મળી છે. આમ તો ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધી રહેલા ગરમીને કારણે શાકભાજીના છોડ પર ફૂલ ખીલતાની સાથે સુકાઈને ખરી પડતા હતા. જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો તે નાનકડું ફળ પણ તાપમાં મૂરજાઈને ખરી પડતું હતું. જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં સારું ઉત્પાદન આપી નથી રહ્યો.
આકરી ગરમીની અસર ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દુધી, કાકડી, ટામેટા, ગીલોડા સહિત અન્ય શાકભાજીના ઉત્પાદન પર પડી છે. ઉત્પાદન ઓછું થવાના કારણે સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે. આમ તો ખેડુતોને જે ભાવ મળી રહ્યો છે, આ ભાવ પહેલા કરતા પણ પોષાય તેમ નથી. કારણ કે પહેલા મળેલા ભાવ કરતા આ વખતે ભાવ વધુ મળ્યા છે, પણ સામે ખેડૂતોને પાક નુકસાન પણ એટલું જ થયું છે.
હોલસેલ માર્કેટમાં છેલ્લા ૨૫ દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. આકરી ગરમીને લઈને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગરમીને કારણે ઉત્પાદન ઘટતા માર્કેટમાં શાકભાજીની આવક પણ ઘટી છે, ૭૦ થી ૮૦ ટકા ભાવ વધારો થયો છે. માર્કેટના વેપારીઓ જણાવી રહ્યા છે કે, શાકભાજીના ભાવ વધવાનું એક માત્ર કારણ આકરી ગરમી છે. ગરમીને કારણે જરૃર જેટલું ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ, બિયારણ, સહિતનો ભાવ વધી ગયો છે એટલે એકંદરે ખેડુતોને આ ભાવ પણ પોસાય તેમ નથી. જો રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે, ત્યારે સરકારે શાકભાજીના ભાવ વિશે કંઈક વિચારવું જોઈએ તેવું ખેડૂતો માની રહ્યા છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
