News of Saturday, 8th June 2024
બારડોલીના બાબેનમાં ગર્લ્સ હોસ્ટેલમાં ધો-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
માતા-પિતા અને શિક્ષકને સંબોધીને લખવામાં આવેલી સ્યુસાઈડ નોટ મળી :હિનલ સાથે અભ્યાસ કરતી અને રુમ પાર્ટનર તરુણીએ ફ્રેન્ડશિપ તોડી નાંખતા મનમાં લાગી આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક પાસેથી માતા-પિતા અને શિક્ષકને સંબોધીને લખવામાં આવેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ જૂનાગઢના વતની અને કામરેજના કાઠોદરા ગામમાં રહેતા હિતેશભાઈની દીકરી હિનલ બારડોલીના બાબેન ખાતે આવેલી વિદ્યાભારતી કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ધોરણ 12માં અભ્યાસ કરતી હતી.
હિનલે ગઈકાલે સવારે 7 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં પોતાના રૂમમાં સીલિંગના સળિયા સાથે ઓઢળી વડે ફાંસો ખાઈ લીધો હતો. હોસ્ટેલ સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થિનીઓની હાજરી પૂરતા સમયે હિનલ જોવા મળી નહતી. આથી કર્મચારીઓએ તપાસ કરતાં હિનલના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. આથી સંચાલકોએ કંઈક અજુગતુ થયું હોવાનું માનીને દરવાજો તોડી નાંખ્યો હતો અને અંદર જોયું તો હિનલની લાશ લટકતી મળી આવી હતી.
આ બાબતે હોસ્ટેલ સંચાલકો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હિનલ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં હિનલે પોતાની સાથે અભ્યાસ કરતી અને રુમ પાર્ટનર તરુણીએ ફ્રેન્ડશિપ તોડી નાંખતા મનમાં લાગી આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ મમ્મી-પપ્પાના સપના પૂરા ના કરી શકવા બદલ માફી માંગી છે અને ટીચરોને પણ પોતાની ભૂલ બદલ માફ કરવા જણાવ્યું છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
