News of Saturday, 8th June 2024
નૈઋત્યના ચોમાસાએ કરી મહારાષ્ટ્રમાં એન્ટીઃ ગુજરાતના ૮ તાલુકામાં વરસાદના અમી છાંટણાઃ છોટા ઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી જિલ્લાના વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા
ગાંધીનગરઃ નૈઋત્યના ચોમાસાએ ધીમા પગલે મહારાષ્ટ્રમાં એન્ટી મારી દીધી છે. હવામાન વિભાગના મતે આગામી 15 જૂન સુધીમાં ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું બેસી જશે. જેની પહેલા અત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીના 15 કલાકમાં રાજ્યના 8 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ અઢી ઈંચ વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, સવારે 8 થી 10ના બે કલાકના સમયગાળામાં જ પોણા બે ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં પણ સવા ઈંચ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકામાં જોઈએ તો, સુરતના માંગરોળમાં 7 મિમી, સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 5 મિમી, તાપીના નિઝર તાલુકામાં 3 મિમી, પંચમહાલના કાલોલમાં 2 મિમી અને અમરેલી જિલ્લાના બાબરામાં 1 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સાંજે 6 થી 8ના બે કલાકના સમયગાળા દરમિયાન સાયલામાં 5 મિમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત બપોર બાદ સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી જિલ્લાના વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
