News of Sunday, 9th June 2024
દેવમોગરા માતાજીના દર્શનાર્થીઓને પોલીસ દ્રારા થતી હેરાનગતિ અટકાવવા MLA ની DSP ને રજૂઆત
સાગબારા પો.સ્ટે.માં આદિવાસી યુવાનોને માર મારવાની ઘટનામાં તપાસ કરવા પણ MLA ચૈતર વસાવા એ કરી રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: સાગબારા તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેકટર સહીતના અધિકારીઓ એ સ્થાનિક આદિવાસી સમાજના યુવાનોમાં નરેન્દ્રસિંહ ફકીરભાઈ વસાવા,રાજુભાઈ નંદેસિંહ વસાવા,ઇનેશભાઈ બનવારીભાઈ વસાવાને કોઇપણ ફરિયાદ વિના પોલીસ સ્ટેશન ની અંદરના રૂમમાં પુરી ને રાત્રી ના સમયે ઢોર માર માર્યો છે. જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા બાદ, જનરલ સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે ખસેડવામાં આવેલ છે. જ્યાં ત્રણ દિવસ થી તેઓ સારવાર હેઠળ છે.આ બનાવની ફરિયાદ આપને (DSP)અને કલેકટર ને તારીખ: ૦૬/૦૬/૨૦૨૪ ના રોજ આપેલ હોવા છતા, કોઇપણ પ્રકાર ની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટાનું પોલીસ રોજે-રોજ દર્દીઓને તથા તેમના પરિવાર ને ખોટી રીતે હેરાન કરી રહી છે. જેથી આદિવાસી સમાજમાં આક્રોશ છે.
આજ પ્રમાણે દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી યાહામોગી માતાજીના દર્શને આવનારા દર્શનાર્થીઓને પણ સાગબારા અને દેડીયાપાડા પોલીસતંત્ર દ્રારા ખુબજ હેરાન કરવામાં આવે છે. જેના કારણે છેલ્લા બે વર્ષમાં દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળેલ છે. આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતા આવા પોલીસ અધિકારીઓને કારણે આ વિસ્તારમાં પોલીસે વિશ્વસનિયતા ગુમાવી છે. સુરક્ષા સલામતિ પુરી પાડવાના બદલે ભય ઉભો કરવામાં આવી રહ્યો છે. જે આદિવાસી સમાજ ધ્યાન પૂર્વક જોઈ રહ્યો છે. શાંતિપ્રિય અને સંવિધાનમાં માનનારા સમાજને રસ્તાઓ પર ઉતરવા પોલીસ મજબુર કરી રહી હોય એવું લાગી રહ્યું છે. જેથી ઉપરોક્ત ઘટનાઓની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત ચૈતર વસાવા એ નર્મદા પોલીસ વડા સમક્ષ કરી છે.
જોકે જિલ્લા પોલીસ વડા એ આ મુદ્દે જણાવ્યું કે આ લોકો જાહેરમાં લડતા હોવાથી ગુનો દાખલ કરલો છે તેમ છતાં કઈક હશે તો અમે આની ઝીણવટભરી તપાસ કરી આગળ કાર્યવાહી કરીશું.અને ૦૬/૦૬/૨૦૨૪ એ કરેલી કોઈજ રજૂઆત મને મળી નથી.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
