News of Sunday, 9th June 2024
નર્મદા કલેક્ટર કચેરીના એક ખૂણે બૂલબૂલ પક્ષીના માળા એ આકર્ષણ જગાવ્યું
છેલ્લા ચાર વર્ષથી અહીં વસવાટ કરતા બૂલબૂલે આ વખતે સેવેલા બે ઇંડામાંથી નીકળેલા બચ્ચાઓની ચિચિયારીથી સરકારી કચેરી ગુંજી ઉઠી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં આવેલા જિલ્લા સેવા સદનના ભોંય તળિયાનો એક ખૂણો પક્ષીના બચ્ચાની ચિચયારીથી ગુંજી ઉઠ્યો છે. કલેક્ટર કચેરી જેવી મહત્વની ઓફિસમાં પક્ષીના બચ્ચાની ચિચયારી અરજદારોને પણ આશ્ચર્ય ચકિત કરે છે. સામાન્ય રીતે ઇમારતોમાં જોવા ના મળે તે છતાં અહીં બૂલબૂલે માળો બનાવી બે બચ્ચાનો ઉછેર શરૂ કર્યો છે.
પશુપક્ષીઓ પ્રકૃતિ સાથે માનવજીવનના પણ અભિન્ન અંગ છે. શહેરીકરણના દુષ્પ્રભાવોની અસર પક્ષીઓ ઉપર પડી છે. કેટલાક વર્ષો પહેલા ઘર આંગણે જોવા મળતા પક્ષીઓએ જાણે માનવીથી દૂર થઈ ગયા હોય એવો અહેસાર થવા વિના રહેતો નથી. હવે તો ઉંચી ઇમારતોમાં તો માત્ર કબૂતરો સિવાયના પક્ષીના માળા જવલ્લે જોવા મળે છે. આવા સમયે સરકારી કચેરી જેવા અવર જવર વાળા વિસ્તારમાં બૂલબૂલ જેવું પક્ષી માળો બનાવે તો આનંદની જ વાત કહેવાય ! નર્મદા કલેક્ટર ઓફિસમાં ભોંય તળિયે આવેલી માહિતી ખાતાની ઓફિસની પાસે એક બારી ઉપર બૂલબૂલે પોતાનું ઘર વસાવ્યું છે. આ ઘર આ વર્ષે જ બનાવ્યું હોય એવું નથી, છેલ્લા ચારેક વર્ષથી બૂલબૂલ અહીં વસવાટ કરી રહ્યું છે. અંગ્રેજીમાં એને રેડવેન્ટેડ બૂલબૂલ તરીકે ઓળખવામાં આવે છે, તે પક્ષી સામાન્ય રીતે માનવ વસાહત નજીક પોતાનો માળો બનાવતું નથી.એટલે કચેરીના કર્મીઓ એ તેનું ઘર અકબંધ રહે એવા પ્રયત્નો કર્યા છે. સાફસફાઇ કરતી વેળા આ માળો વિંખાઇ ના જાય એની પણ ખાસ તકેદારી રાખી છે. બૂલબૂલને બહાર જવા આવવા માટે બારી પણ ખૂલી રાખવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં આ બીજી વખત બૂલબૂલે તેના આ ઘરમાં ઇંડા મૂકી તેને સેવ્યા છે. આ વખતે પણ બે બચ્ચા સરકારી ઇમારતના આ માળામાં કિલ્લોલ કરી રહ્યા છે. કર્મીઓ દ્વારા બૂલબૂલ ખાઇ તેવી ચણ નાખવામાં આવે છે. એથી બૂલબૂલ પોતાના બચ્ચાને ખવડાવી શકે. સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બૂલબૂલ બચ્ચા આપે છે. એટલે આ ઋતુકાળમાં નર્મદા જિલ્લાની આ કચેરી પક્ષીના કિલ્લોલ થી ગુંજી ઉઠી છે
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
