તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Monday, 10th June 2024
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 72 તાલુકામાં વરસાદ: તાપીના ડોલવણમાં સૌથી વધુ ચાર ઇંચ ખાબક્યો
ધરમપુર અને બાબરામાં ત્રણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો કપરાડામાં બે ઇંચ અને ક્વાંટમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો: નવસારીના વાંસદા અને સુરતના ઉમરપાડામાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની પધરામણી થાય તે પહેલા જ રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં પોણા 4 ઈંચ જેટલો વરસાદ (90 એમએમ) નોંધાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, રવિવારે રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા સૌથી વધુ તાપીના ડોલવણમાં પોણા 4 ઈંચ વરસાદ (90 એમએમ) ખાબક્યો હતો. જ્યારે તાપીના વાલોડમાં સાડા 3 ઈંચ (82 એમએમ) વરસાદ નોંધાયો છે. ધરમપુર અને બાબરામાં ત્રણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે
આ સાથે કપરાડામાં બે ઇંચ અને ક્વાંટમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે અમરેલીના લાઠી, નવસારીના વાંસદા અને સુરતના ઉમરપાડામાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં દોઢ ઈંચ વરસાદ તથા નાંદોદ, ખેરગામ, જાંબુઘોડા, શિનોરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે, સોમવારે ગુજરાતના 14 જિલ્લામાં મધ્યથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઇ શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારે ભરૂચના તવરા નજીક વાવાઝોડા સાથે વરસાદના કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે યુવકોના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. આ ગોઝારી ઘટનામાં ચારથી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે. તો વડોદરાના કોટા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
