<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ગામડાઓમાંથી કચરો એકત્ર કરી નગરોના પ્રોસેસીંગ યુનિટ સુધી પહોંચાડાશે

ગંદકી છોડો, સ્‍વચ્‍છતાને જોડો : નિર્મળ ગુજરાત યોજના ભાગ-૨ માટે ટેન્‍ડર પ્રક્રિયા : ગામડાઓને ચોખ્‍ખાચણાક બનાવવાનો હેતુ

રાજકોટ તા. ૧૦ : ગુજરાત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત યોજના ભાગ-૨ અંતર્ગત ગામડાઓમાંથી કચરો એકત્ર કરી નજીકના નગરપાલિકાનું કાર્યક્ષેત્ર ધરાવતા શહેરો સુધી પહોંચાડવાની વ્‍યવસ્‍થાનું આયોજન થઇ રહ્યું છે. સરકાર સ્‍વચ્‍છતા પર વિશેષ ભાર મૂકી રહી છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાની યોજના આવી રહી છે. પંચાયત વિભાગ દ્વારા યોજનાનું સંકલન થશે.

સરકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી કચરો એકત્ર કરી નજીકના નગરના પ્રોસેસીંગ યુનિટ સુધી પહોંચાડવા માટે નિર્મળ ગુજરાત ભાગ-૨ અંતર્ગત આયોજન નક્કી થયેલ છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાં આ અંગેની ટેન્‍ડર પ્રક્રિયા હવે આગળ વધશે. હાલ કેટલાક ગામડાઓમાં ઘરે-ઘરેથી કચરો ઉઘરાવી ગામ બહાર નિકાલ કરવાની વ્‍યવસ્‍થા છે તેના બદલે ગામડાઓમાંથી કચરો એકત્ર કરી નજીકના નગર સુધી પહોંચાડવાની યોજના માટે ટેન્‍ડર પ્રક્રિયા થઇ રહી છે.

નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગામડાઓમાંથી દરરોજ અથવા નિયત દિવસે ઘરે-ઘરેથી કચરો ભેગો કરી ખાસ વાહન દ્વારા તેને નજીકના શહેરના પ્રોસેસીંગ યુનિટમાં નિકાલ માટે પહોંચાડવામાં આવશે. કોન્‍ટ્રાકટરને આ કામગીરીના બદલામાં મહેનતાણુ મળશે અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતાનું પ્રમાણ વધશે. કચરો એકત્ર કરવા અલગ-અલગ રૂટ ગોઠવવામાં આવશે. કચરો ગામ ભેગો કરવાના બદલે ગામથી નજીકના નગરના પ્રોસેસીંગ એકમ સુધી પહોંચાડી વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવામાં આવશે. હાલ જે તે જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતો દ્વારા આ અંગેના ટેન્‍ડર બહાર પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રોસેસીંગ યુનિટ સ્‍થાપવાનું ખર્ચાળ હોવાથી સરકારે ગ્રામ્‍ય કક્ષાએ તે સ્‍થાપવાના બદલે ગામડાઓના કચરો નગરોના યુનિટ સુધી પહોંચાડવાનું વિચારેલ છે. નજીકના ભવિષ્‍યમાં આ યોજના અમલમાં આવી જવાની શક્‍યતા છે. ગંદકીના કારણે ફેલાતો રોગચાળો અટકશે અને જનઆરોગ્‍યને ફાયદો થશે

(2:00 PM IST)