News of Tuesday, 11th June 2024
ચોમાસુ વલસાડ પહોંચ્યુ, આખુ અઠવાડીયું રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશેઃ હવામાન ખાતુ
૨૪ કલાકમાં રાજ્યના ૨૬ તાલુકાઓમાં ૧૦ મી.મી.થી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આ વખતે રાજયમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન ચાર દિવસ વહેલા થયું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (૧૧જ્રાક જૂન) ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૨૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સંતરામપુરમાં ૪૦ મી.મી, મોરવા હડફ ૨૭, કલોલ ૨૨, સંજેલી ૧૫, કડી ૧૨, ગાંધીનગર ૧૧ અને કપરાડામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. બીજી તરફત અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઇ જતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી છે.ᅠ
ગઇ કાલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જેતપુર સહિત જામકંડોરણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ૧૧મીજૂને ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો તો ૧૨મી અને ૧૩ જૂન સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઉપરાંત ૧૪મી,૧૫ મી અને ૧૬મી જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
