<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

હવેથી ફક્‍ત જિલ્લા મેજિસ્‍ટ્રેટ અથવા પોલીસ કમિશનર ગેમઝોનના લાઇસન્‍સ આપી શકશે

ગુજરાત એમ્‍યુઝમેન્‍ટ રાઇડ એન્‍ડ ગેમિંગ ઝોન એક્‍ટિવિટીઝ-સેફટીના સૂચિત રૂલ્‍સ ૨૦૨૪ તૈયાર કરી લોકોનાં વાંધા-સૂચન મંગાવાયાં : શરૂઆતમાં બે વર્ષની મુદતનું જ લાઇસન્‍સ આપવામાં આવશેઃ તે પછી લાઇસન્‍સ રિન્‍યૂ કરાવવાનું રહેશે

અમદાવાદ,તા. ૧૩: રાજકોટ અગ્નિકાંડમાંથી બોધપાઠ લઇને રાજય સરકારે ‘ગુજરાત એમ્‍યુઝમેન્‍ટ રાઇડ એન્‍ડ ગેમિંગ ઝોન એક્‍ટિવિટીઝ (સેફટી) ૨૦૨૪ના સૂચિત નિયમો તૈયાર કર્યા છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવી હતી. આ સૂચિત નિયમો ગૃહ વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવ્‍યા છે. તે અંગે નાગરિકો પાસેથી ૨૫ જૂન સુધીમાં વાંધા-સૂચનો પણ મંગાવવામાં આવ્‍યા છે. તે આવ્‍યા બાદ ફાઇનલ નિયમો નક્કી કરી તેની જાહેરાત કરવામાં આવશે અને તેને લાગુ પાડવામાં આવશે.

રાજયભરમાં હવેથી ગેમ ઝોન અને એમ્‍યુઝમેન્‍ટ રાઇડના લાઇસન્‍સ ફક્‍ત સંબંધિત જિલ્લાના ડિસ્‍ટ્રિક્‍ટ મેજિસ્‍ટ્રેટ અથવા સંબંધિત શહેરના પોલીસ કમિશનરની અંતિમ મંજૂરી બાદ જ આપી શકશે તેવી મહત્‍વની સૂચિત જોગવાઇ તેમાં રખાઇ છે. ગૃહ વિભાગની વેબસાઇટ પર ગેમ ઝોન અને એમ્‍યુઝમેન્‍ટ શરૂ કરવા પૂર્વે અને તે કાર્યરત થાય તે પછી કેવી રીતે મંજૂરી લેવી પડશે તે સ્‍પષ્ટ કરી અનેક પાસાને આવરી લેવામાં આવ્‍યા છે.  આ નિયમો મશીનો દ્વારા સંચાલિત તમામ રાઇડ માટે લાગુ પડશે.

આ નિયમો ઘડવા રાજય સરકારે રાઇડ સેફટી એન્‍ડ ઇન્‍સપેક્‍શન કમિટિની પણ રચના કરી હતી. જે દર ત્રણ મહિને ઇન્‍સપેક્‍શન કરશે અને પોતાનો રિપોર્ટ લાઇસન્‍સ અધિકારીને સોંપશે. આ કમિટિમાં રાજય સરકારના, બોર્ડના કે મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-૨ થી નીચા ન હોય એવા ટેકનીકલ બાબતોના નિષ્‍ણાત અધિકારીઓનો સમાવેશ કરાશે. આ કમિટિ પોતાના ઇન્‍સપેક્‍શન બાદ લાઇસન્‍સ આપનાર અધિકારીને ગેમઝોન માટે અને એમ્‍યુઝમેન્‍ટ રાઇડ ઉભી કરવાની ભલામણ કરશે. આ લાઇસન્‍સ આપવા માટે એક સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ હશે. જયાં અરજદારે તમામ માહિતી અને જરૂરી પ્રમાણપત્રો સુપરત કરવાના રહેશે. શરૂઆતમાં બે વર્ષની મુદતનું જ લાઇસન્‍સ આપવામાં આવશે. તે પછી લાઇસન્‍સ રિન્‍યૂ કરાવવાનું રહેશે.

રાજકોટ ગેમ ઝોનની કરૂણાંતિકા પછી રાજય સરકાર દ્વારા ગેમિંગ ઝોન માટે સૂચિત નિયમો તૈયાર કરાયા છે. જેમાં અનેક મુદ્દે છણાવટ કરી ઇન્‍સ્‍પેક્‍શન ઓથોરિટીનું ડબલ ચેક રહે તેવી જડબેસલાક જોગવાઇઓ કરવામાં આવી છે.

ગેમ ઝોનનું સ્‍ટ્રક્‍ચર આગ વિરોધી રાખવું પડશે, પેટ્રોલ-ડીઝલનો જથ્‍થો સંકુલથી દૂર રાખવો પડશે

ગેમઝોનની તમામ ગતિવિધિઓ ઉપર દેખરેખ રાખવા દરેક ગેમઝોનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવાના રહેશે. આ સીસીટીવીના એક મહિનાના ફૂટેજને સ્‍ટોર કરવાની સુવિધા ફરજિયાત કરવાની રહેશે.

પ્રત્‍યેક ગેમઝોનમાં અંદર જવાના (એન્‍ટ્રી) અને બહાર નીકળવાના (એક્‍ઝિટ) અલગ અલગ રસ્‍તા ફરજિયાત બનાવવાના રહેશે.

દરેક ગેમિંગ એક્‍ટિવિટીના સ્‍થળે લાંબી લાઇન લાગી શકે તેટલી સ્‍પેસ ઉપરાંત પ્રેક્ષકો ગેમને જોઇ શકે તે માટેની મોકળાશની જગ્‍યા પણ રાખવાની રહેશે. 

જો કોઇ અજુગતી ઘટના ઘટે એવા સમયે સમગ્ર ગેમઝોન તાત્‍કાલિક ધોરણે ખાલી કરવો પડે તે માટેની પૂરતી વ્‍યવસ્‍થા ઉભી કરવાની રહેશે.

ગેમઝોનના સંચાલકો અને માલિકોએ ગ્રાહકોનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત લેવાનો રહેશે. જેમાં મૃત્‍યુના કે કાયમી અપંગતાના કિસ્‍સામાં વીમાની રકમ રૂ. ૧૦ લાખ, આશિંક વિકલાંગતા માટે રૂ. ૭.૫૦ લાખ અને ઇજાગ્રસ્‍તો માટે સારવાર પેટે રૂ. ૨ લાખનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત બનાવાયો છે.

એમ્‍યુઝમેન્‍ટ પાર્ક કે ગેમ ઝોન સંકુલની એન્‍ટ્રીમાં જ પાંચ ફૂટના બોર્ડમાં ફાયર પરમીટ, સંકુલમાં વ્‍યક્‍તિઓની ક્ષમતાની વિગતો જરૂરી.

ગેમ ઝોનનું આગ વિરોધી સ્‍ટ્રક્‍ચર.

સેન્‍ટ્રલ ફાયર એલાર્મ સિસ્‍ટમ.

ફાયર સેફટી માટે આગ પ્રતિરોધક અથવા સ્‍પ્રીન્‍ક્‍લરની સિસ્‍ટમ સતત કાર્યરત.

સલામતીના નિયમો ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજીમાં લખવાના રહેશે.

પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ નિયમ મુજબ જ કરી શકાશે અને તેનો જથ્‍થો સંકુલથી ૩૦ ફૂટ દૂર રાખવાનો રહેશે.

આનંદ મેળા માટે પણ જરૂરી લાયસન્‍સ લેવા પડશે, રાઇડની કેપેસિટી નક્કી થશે.

ગેમિંગ ઝોન અને એમ્‍યુઝમેન્‍ટ પાર્ક માટે ક્‍વોલીફાઇડ સ્‍ટાફ રાખવો પડશે.

સાધનની જાળવણીનો રેકોર્ડ.

(9:52 AM IST)