<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

સાગબારા તાલુકાના ભવરીસાવર ગામે દમણ નદી ઉપર લાખોના ખર્ચે બનેલ પુલિયાના સળિયા દેખાવા માંડયા

બે મહિના પહેલા જ બનેલ પુલના છતમાંથી પોપડા ઉખડવાના શરૂ થતાં ભ્રષ્ટાચારની ગંધ: સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખના ગામમાં જ મસમોટો ભ્રષ્ટાચાર છતાં આંખ આડા કાન કે પછી ચોરીના ધંધામાં ભાગબટાઈ ?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં વિકાસના કામોમાં એકબાદ એક ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે ત્યારે એસપીરેશનલ જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તે તો ઉચ્ચ કક્ષાએ થી તપાસનો રેલો આવે ત્યારે બહાર આવે. હજી ડેડીયાપાડા તાલુકાના ખુરદા ગામે પૂર્વ સરપંચ દ્વારા કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વગર 100 મિટર જેટલો આરસીસી રસ્તો બનાવી દેવામાં આવ્યો જેમાં નર્યો ભ્રષ્ટાચાર હોવાનો ગ્રામજનો દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા અધિકારીઓ તપાસના નામે દોડતા થયા છે, જે ભ્રષ્ટાચાર ની સ્યાહી હજી સુકાય નથી ત્યારે સાગબારા તાલુકામાં અન્ય એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેમાં સાગબારા અને ડેડીયાપાડા એમ બંને તાલુકામાં વિકાસનાં નામે કરોડો રૂપિયાનો વાર્ષિક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવા છતાં અહીં આદિવાસી વિસ્તાર હોય તપાસના નામે બધું સમેટી લેવામાં આવે છે જેમાં અધિકારીઓ થી લઈને સ્થાનિક નેતાઓની પણ ભાગબટાઈ રહેલી હોવાની બુમ ઉઠી છે
  સાગબારા તાલુકાના કેલ ગામે કેલ -1 અને કેલ આંબાફળિયા વચ્ચે દમણ નદી પર બે મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે લોકોને સુખ સુવિધા માટે પુલ બનાવવામાં આવેલ છે,  તેનું હજી ઉદઘાટન પણ કરવાનું બાકી છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આ પુલના ઉદઘાટન પહેલા પુલના છતમાંથી પોપડા નીકળે છે અને સળિયા પણ દેખાવા માંડયા છે.ત્યારે કહેવાય છે કે આ પુલમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને હલકી ગુણવત્તા યુક્ત મટીરીયલ વાપરવામાં આવતા ત્યાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.જેને છુપાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ આજ કેલ ગામના ચંપાબેન સુભાષભાઈ વસાવા હોવા છતાં તેમની સામે અને તેમનાજ ગામમા આટલો મસમોટા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય ત્યારે સાગબારા તાલુકામાં થતા અન્ય સરકારી કામોમાં કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હશે તે પણ સવાલ ઉઠી રહ્યા છે
    શું આ પુલિયામાં કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ની તપાસ થશે ખરી ? કે પછી ભાગબટાઈ ના ધંધામાં તપાસના નામે ભીનું સંકેલાશે ? આ પુલિયાના કોન્ટ્રાક્ટરને સરકારી કામો માટે બ્લેક લીસ્ટ કરાઈ તેવી પણ લોકમાંગ છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવેલ પુલ ઉદઘાટન પહેલા જ સળિયા દેખાવા લાગ્યા ત્યારે તેની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ થશે ખરી ?

(10:50 PM IST)