તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Friday, 14th June 2024
ગુજરાત કોંગ્રેસ ૨૫ બેઠકો પરની હાર અંગે ચિંતન કરશેઃ અત્યારથી જ સ્થાનિક ચુંટણીઓની તૈયારી
ગેનીબેન ઠાકોરનું સન્માનઃ બનાસકાંઠા માં જીતથી કોંગ્રેસના ઉત્સાહમાં વધારો સંગઠન માળખામાં મારો તે સારો એવુ નહિ, કામ કરે એ જ સારો એવો અભિગમઃ શકિતસિંહ

અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન પ્રસંગે શકિતસિંહ ગોહિલ, મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા વગેરે ઉપસ્થિત રહયા હતા.
(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૪: ગુજરાતનાં લાખો લોકોને જન આશીર્વાદ મેળવી ભવ્ય વિજય મેળવનાર સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારીશ્રી અને વરિષ્ઠ સાંસદશ્રી મુકુલ વાસનિકએ જણાવ્યું હતું કે શ્રી ગેનીબેનની જીતના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં ઉમ્મીદ સાથે જોશ-ઉત્સાહમાં વધારો થયો છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતે એનો મતલબ પથ્થર પર ફૂલ ખીલવા સમાન આ જીત છે. કોંગ્રેસ પક્ષને આશા હતી કે અમે વધારે બેઠકો જીતીશું, પરંતુ માત્ર એક જ બેઠક મળી. છતાં કોંગ્રેસ દિલ્હીની સંસદમાં ગુજરાતનો અવાજ મજબૂતાઈથી રજુ કરીશું. ૨૫ બેઠકો હારવા પાછળ કયા કારણો હતા કે જેના કારણે માત્ર એક જ બેઠક આવી એનું ચિંતન કોંગ્રેસ પક્ષ કરશે. જ્યાં અપેક્ષા મુજબના પરિણામો ના મળ્યા એ અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગે સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે. આગામી યોજાનાર ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અત્યારથી તૈયારીઓમાં લાગી જવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પોલિટિકલ એડવાઈઝરી બેઠક બોલાવી વરિષ્ઠ નેતાશ્રીઓ જવાબદારી આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારી કરાશે. જ્યાં વિવાદ હોય ત્યાં વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત ઙ્કદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલએ નવનિર્વાચિત સાંસદશ્રી ગેનીબેનને અભિનંદન આપતા જણાવ્યું કે ગુજરાતનાં તમામ વર્ગ, જ્ઞાતિ-જાતિના લોકોએ કોંગ્રેસ પક્ષને અને શ્રી ગેનીબેનને જનસમર્થન-જનઆશીર્વાદ આપ્યા છે. આજનો સન્માન સમારોહ ત્રિવેણી સંગમ જેવો છે. શ્રી ગેનીબેનનાં સન્માનની સાથેસાથે લોકસભા ચૂંટણીમાં જેમણે તન-મન-ધનથી કાર્ય કરનાર કોંગ્રેસ પક્ષનાં કાર્યકરો, જિલ્લા પ્રમુખશ્રીઓ અને લોકસભાનાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારશ્રીઓનાં પણ સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું સંગઠન માળખામાં મારો એ સારો નહીં, કામ કરે એજ સારો એવું ચાલશે.જેને માળખામાં રહેવું હોય એ પોતાનો બાયોડેટા આપે અને બાયોડેટા આવ્યા હશે એમને ત્રણ મહિના સુધી જિલ્લા પંચાયત બેઠક સુધી જમીની કામ આપવામાં આવશે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
બનાસકાંઠાના સાંસદશ્રી ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાની જનતાએ ભાજપની હેટ્રીક રોકીને એક ભગીરથ કાર્ય કર્યું. કોંગ્રેસના દરેક કાર્યકરે તન-મન-ધનથી કામ કર્યું તેના માટે અભિનંદન સાથે આભાર પ્રગટ કરું છું. બનાસકાંઠાની જનતા જાણે છે કે જ્યારે જ્યારે લોકશાહીનું હનન થાય છે. ત્યારે લોકશાહી બચાવવા મત આપે છે. ‘બનાસની બેન' તરીકે નાગરિકોએ સૂત્ર આપ્યું અને મતથી મારુ મામેરું ભર્યું. સામ પક્ષે એક વ્યક્તિ લોકોના પરસેવાના પૈસા પાર્ટી માટે વાપરે ત્યારે આવા લોકોને કુદરત પણ માફ કરતું નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ તાજેતરની ચૂંટણીમાં કરેલ અથાગ પ્રયત્નોની સરાહના કરવાની સાથે અભિનંદન પાઠવવામાં આવે છે. આપતો ઠરાવ પૂર્વ રાજ્ય સભા સાંસદશ્રી ડો. અમીબેન યાજ્ઞિકે રજુ કર્યો હતો. આ ઠરાવને ટેકો મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષશ્રી ગીતાબેન પટેલે આપ્યો હતો.
જનતાનો દિલથી આભાર વ્યક્ત કરતો ઠરાવ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ ડો. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે રજુ કર્યો હતો જેને એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકીએ ટેકો આપ્યો હતો.
ગુજરાત કોંગ્રેસ હાઇકમાન્ડ પ્રત્યે આભાર વ્યક્ત કરતો ઠરાવ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્મ ાના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ કર્યો હતો જે ઠરાવને કોંગ્રેસના મહામંત્રીશ્રી નઈમ મીરઝાએ ટેકો જાહેર કર્યો હતો.
રાજીવ ગાંધી ભવન ખાતે બનાસકાંઠાથી ચૂંટાયેલા લોકસભા સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અભિવાદન સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી જગદીશ ઠાકોર અને એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી રામકિશન ઓઝાજીએ પ્રાસંગીક ઉદબોધન કરીને સૌને અભિનંદન પાઠવ્યાં હતાં. સ્વાગત પ્રવચન ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે કર્યું હતું
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
