News of Saturday, 15th June 2024
રાજ્યના 27 તાલુકામાં મેઘમહેર: સુરેન્દ્રનગરના લખતરમાં બે કલાકમાં 1 ઈંચ ધોધમાર વરસાદ
સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો:ગારીયાધારમાં સાંજે 4 કલાકમાં જ ધોધમાર 2 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, રાતે 8 વાગ્યા સુધીમાં ભાવનગરના ગારીયાધારમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, ગારીયાધારમાં સાંજે 4 થી રાતના 8 વાગ્યા સુધીના 4 કલાકમાં જ ધોધમાર 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે અનેક ગામડાઓમાં નીચાણવાળા ભાગમાં પાણી ફરી વળ્યા હતા.
આ સિવાય જેસર તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં જેસરના સનાળા, ચીરોડા અને સાપરીયાળી ગામમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે મહુવા તાલુકાના કોટીયા, કળમોદર, વાવડી, રતનપર, રાળગોન અને ઠળિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
જ્યારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 1 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે વઢવાણ તાલુકામાં 18 મિમી વરસાદ નોંધાયો છે.
જો અન્ય તાલુકામાં વરસાદના આંકડા જોઈએ તો, અમરેલીના લીલીયામાં 19 મિમી, લાઠીમાં 18 મિમી, મોરબીના વાંકાનેરમાં 18 મિમી, નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 17 મિમી, નવસારીના જલાલપોરમાં 17 મિમી અને તાપીના ઉચ્છલમાં 15 મિમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, ભાવનગર, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે રવિવારે પણ ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
