તા. ૨૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૯ ગુરૂવાર
News of Sunday, 16th June 2024
ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેતરોમાં વીજ થાંભલા ઊભાના વિરોધમાં એક ખેડુતે ઝેર પી લીધુ
- છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે

ડીસાઃ ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને એક ખેડૂતે ઝેરી પ્રવાહી પીને જીવંત ટૂંકાવાનો પ્રયાસ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે.
જેટકો દ્વારા ખેતરોમાં કોઈપણ જાતનું વળતર આપ્યા વિના વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરાઈ હોવાથી ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર પણ આપી ચૂક્યા હતા ત્યારે શનિવારે ફરીથી જેટકો કંપનીના અધિકારીઓએ ડાવસ ગામે પહોંચી ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એક ખેડૂતને લાગી આવતાં ઝેરી પ્રવાહી પીને જીવત ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અન્ય ખેડૂતોએ 108ને જાણ કરાતાં 108ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે ખેતરમાં પહોંચી હતી અને ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, જેટકો કંપની દ્વારા મનમાની ચલાવીને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે જગ્યા ઉપર વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એની બાજુમાં સરકારી જમીન આવેલી છે, તો જેટકો કંપની દ્વારા સરકારની જમીનમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવે તો ખેડૂતોને નુકસાન થતું અટકાવી શકાય તેમ છે તેવી માંગ પણ ખેડૂતોએ કરી હતી. શનિવારે ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી સાથે તમામ ખેડૂતોએ એકઠા થઈ ડીસાની પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણાં પર બેસી જતાં વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જો કે, પ્રાંત અધિકારી હાજર ન હોઈ તમામ ખેડૂતો મામલતદાને આવેદનપત્ર આપી પાલનપુર ખાતે કલેકટર સમક્ષ રજૂઆત કરવા રવાના થયા હતા. ખેડૂતોએ માગણી કરી હતી કે, ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાંખવાની કામગીરી અટકાવીને સરકારી જમીન પર વીજ થાંભલા ઊભા કરવામાં આવે.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
