<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

રાજપીપળા શહેરમાં ધોરણ ૧૧ માં પ્રવેશ ઈચ્છતા અંદાજે ૫૦ ટકા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત

સરકારના કેટલાક નિયમોના કારણે શાળા સંચાલકો નવા ક્લાસ ખોલી શકતા ન હોવાથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં:ઉચ્ચ શિક્ષણ અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સરકારના સૂત્રના ધજાગરા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ શાળાઓ શરૂ થતા જ ધોરણ ૧૧માં પ્રવેશ માટે વાલીઓ ધક્કે ચઢતા જોવા મળ્યા, કેમ કે રાજપીપળાની એકપણ શાળામાં ધોરણ ૧૧ માં જગ્યા ખાલી નહિ હોવાથી બાળકો કયા ભણશે તેવા પ્રશ્નો ઉઠ્યા છે.
    મળતી માહિતી મુજબ હાલમાં શાળાનું નવું સત્ર શરૂ થયું છે પરંતુ રાજપીપળાની ઉચ્ચતર માધ્યમિક એક પણ શાળામાં ધોરણ ૧૧માં એડમીશન મળતું નથી જેના કારણે વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે.
   જાણવા મળ્યા મુજબ રાજપીપળાની તમામ શાળાઓમાં હાલમાં ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળતો નથી જેનું કારણ એ છે કે જે તે શાળામાં અભ્યાસ કરી ૧૧ માં ધોરણમાં આવેલા વિદ્યાર્થીઓ ને સ્વાભાવિક રીતે એ શાળા માં પ્રવેશ આપવો જ પડે અને શાળામાં સરકારે મંજુરી આપી હોય તેટલાં જ વર્ગ હોય માટે નવા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવી સ્થિતિ એક પણ શાળામાં નથી, સરકારે એક ક્લાસમાં ૬૦ વિદ્યાર્થીઓ જ બેસાડવાનો નિયમ લાગુ કર્યો છે અને કોઈ શાળા વર્ગ વધારવા મંજુરી માંગે તો તેમાં લગભગ છ મહિના જેવો સમય વિતી જાય ત્યાં સુધીમાં તો અડધું સત્ર પૂરું થઈ જાય અને તેમ છતાં જો કોઈ શાળા હિંમત કરી વધારાના વર્ગની મંજુરી માંગે અને મંજુરી મળે તો પણ સરકાર શિક્ષક નહિ આપતા આ શિક્ષક ના પગાર સહિતનું ભારણ જે તે શાળા ના માથે પડે માટે કોઈપણ શાળા વધારાનો વર્ગ માંગવાની હિંમત કરતી નથી અને તેના જ કારણે રાજપીપળા ની એકપણ શાળામાં હાલમાં ધોરણ ૧૧ માં પ્રવેશ ફૂલ હોવાથી લગભગ ૫૦ ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત રહી જતા તેમના ભાવી નું શું.? તેવા સવાલ ઉઠ્યા છે. સરકારે નિયમો માં થોડીક બાંધછોડ કરી કોઈપણ વિદ્યાર્થીનું ભાવિ ના બગડે તે દિશામાં પગલાં લેવા જોઈએ.
આમ તો સરકાર એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્ચ શિક્ષણના બણગા ફૂંકે છે ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓ એડમીશન થી જ વંચિત રહી જતા હોય તો સરકાર ની વાતો પોકળ સાબિત થાય છે. માટે સરકાર જેતે શાળાઓને વધારાના વર્ગની મંજુરી આપે અને બધા વિદ્યાર્થીઓને બેસવાની પરવાનગી આપે તેવી વાલીઓ ની માંગ છે.
 આ બાબતે વાલીઓ નું કહેવું છે કે સરકારે નિયમમાં સુધારો કરી કોઈપણ બાળક એડમિશન વિના ન રહે એ બાબતે ધ્યાન આપવું જોઈએ નહિ તો બાળકો પ્રવેશ થી વંચિત રહેશે તો તેમની અભ્યાસ પ્રત્યેની રુચિ ખતમ થઈ જશે અને તેમના ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ મુકાઈ જશે.
નવા સત્રની શરૂઆતથી એટલે કે જુલાઈ મહિના સુધીમાં સરકાર જો નવો વર્ગ વધારો આપી દે તો ઘણા વિદ્યાર્થીઓનું ભાવી જોખમાઈ નહીં અને સારી રીતે તે અભ્યાસ કરી અને જીવનમાં પ્રગતિ કરી શકે છે

(10:04 PM IST)