લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધારાસભાની ૨૬ બેઠકોમાં ખાદ્ય, ૧૬ બેઠકોમાં સરસાઇ ઘટી : શિસ્ત ભંગ સામે પગલા જરૂરી
ભૂપેન્દ્રભાઇ અને પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠકમાં પ્રભારીઓ મન ખોલીને બોલ્યા

રાજકોટ, તા.૧૭: આજે ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત પ્રદેશ ભાજપ દ્વારા સમીક્ષા બેઠકોનો દૂર ચાલી રહ્યો છે. સવારમાં લોકસભા બેઠકોના પ્રભારીઓ અને સંયોજકોની બેઠક મળેલ. જેમાં ખુલ્લા મને વિગતવાર ચર્ચા કરવામાં આવેલ. ચર્ચાના અંતે તારણ કાઢી પ્રદેશ ભાજપ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધારાસભાની ૨૬ બેઠકોમાં ખાધ પડી છે અને ૧૬ બેઠકોમાં ધારાસભાની ચૂંટણીની સરખામણીએ લીડ ઘટી છે. પાર્ટી આ આંકડાકીય ચિત્રને ચિંતાજનક ગણે છે .જોકે ધારાસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને જીત મળી છે. પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓ સામે પગલા લઈ દાખલો બેસાડવા જવાબદારોએ વાત કરી તેને અન્ય કેટલાય આગેવાનોએ ટેકો આપ્યો હતો. ક્ષત્રિય આંદોલન અને સામાજિક સંસ્થાઓની અસર વિશે પણ ચર્ચા થયેલ. ભરૂચમાં ચૈતર વસાવાને જેલમાં પુરવાના કારણે તેને લોકોની સહાનુભૂતિ મળ્યાની સ્થાનિક લોકોએ ચર્ચા કરી હતી. સાબરકાંઠામાં ઉમેદવાર પોતે ચૂંટણી પછી સક્રિય ન હોવાની ફરિયાદ ઉઠી હતી્ બનાસકાંઠાની હારની જવાબદારી ખુદ પ્રદેશ પ્રમુખે સ્વીકારી છે. ત્યાં ડેરીનું સ્થાનિક રાજકારણ પણ પરિણામમાં જવાબદાર હોવાનું જણાવ્યું હતું. પાંચ લાખ મતે જીતવાનો લક્ષ્યાંક મોટાભાગની બેઠકોમાં પૂરો ન થઈ શકયો તે બાબતે મંથન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં નિરીક્ષકો મોકલી તમામ બુથની આંકડાકીય માહિતી સાથે તારણ કાઢવામાં આવશે. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગેનીબેનના ધારાસભ્ય તરીકે મત વિસ્તાર વાવમાં ભાજપને લીડ મળી છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલ. ચૂંટણીમાં કોઈપણ બેઠકમાં પાર્ટીની સામે કામ કરી નુકસાન પહોંચાડ્યું હોય તેની સામે સખત પગલા લેવા કેટલાય આગેવાનોએ મત વ્યક્ત કરેલ. શિષ્ટ ભંગ સામે ગંભીરતાથી નહી વિચારવામાં આવે તો ભવિષ્યની ચૂંટણીમાં મુશ્કેલી પડી શકે તેવી લાલ બતી ધરવામાં આવી હતી.
બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંગઠન મહામંત્રી રત્નાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ ભાજપના સાંસદોની અલગ બેઠક યોજવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
