News of Tuesday, 18th June 2024
અમદાવાદમાં દીક્ષા વિધિના ભાગરૂપે 200 કાર અને 108 બાઈક સાથે શોભાયાત્રા: મુમુક્ષુ નમ્ર કુમારે આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વિકારી
મુમુક્ષુ નમ્રકુમારના સંયમની અનુમોદનારુપે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા: બાળ મુમુક્ષુની દીક્ષાવિધિના ભાગરુપે ભારે ઉત્સાહ

અમદાવાદ : શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથ આદિ સર્વ સંપ્રદાયો દ્વારા જિનશાસનની એકતા અને પ્રભાવનાના પ્રતિક સ્વરુપ મણિનગર કાંકરીયા જૈન યુથ સંચાલિત મુમુક્ષુ નમ્રકુમારના સંયમની અનુમોદનારુપે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું. કાંકરિયા હીરપુર જૈન સંઘમાં બાળ મુમુક્ષુની દીક્ષાવિધિના ભાગરુપે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શોભાયાત્રાને લીલી ઝંડી આપવાનું કાર્ય સાધર્મિકવત્સલ કલ્પેશભાઈ વી. શાહ તથા જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી ડૉક્ટર ભૂપેનભાઈ, નીરવભાઈ આદિ તથા પ્લેટિનમ સ્થંભ લાભાર્થી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ કાર અને 108થી વધુ બાઈક સાથે આ રેલી પૂર્વ વિસ્તારમાં ભવ્ય રીતે જોવા મળી હતી.
મુમુક્ષ નમ્રકુમારે શોભાયાત્રામાં લોકોના આશીર્વાદ, શુભેચ્છાઓ સ્વીકારી હતી. ભૂવનભાનુ સૂરીજી સમુદાયના હેમચંદ્રસુરીજીના શિષ્યરત્ન, (શિલ્પ વિધિ ) મુની સોમ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં કાંકરિયાના હિરપુર વિસ્તારમાં પરમાત્મા મહાવીર સ્વામીની પાટ પરંપરામાં જૈન શાસનમાં એક રત્નનો શ્રમણ (સાધુ) તરીકે પ્રવેશ થયો હતો.
શોભાયાત્રા બાદ આગામી દિવસોમાં શાસન પ્રભાવના કાર્યક્રમો થશે અને તારીખ 20 જૂનને ગુરુવારે રજો હરણ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. જૈન સમાજમાં થોડા દિવસ પછી તરત જ બીજા દીક્ષા સમારંભનું શહેરમાં આયોજન કરાયું છે જે ખૂબ જ મોટી વાત છે. કેમ કે, આજના ભોગવિલાસના સમયમાં, પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ અને બાહ્ય ભોગવિલાસ સામે આંતરિક આનંદની અનુભૂતિ ચડિયાતી છે, તે આ બાળ મુમુક્ષ નમ્રકુમાર સાબિત કરે છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
