News of Tuesday, 18th June 2024
રાજપીપળા વાલ્મીકિ વાસમાં ચાર વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છતાં તંત્ર આળસ ખંખેરતું નથી
સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં પાણીની સમસ્યા નો કોઈજ ઉકેલ આવ્યો નથી: એકાદ મહિનાથી ખાડા ખોદી ગયા અને આ ખુલ્લા ખાડામાં કોઈ પડે તેવી સ્થિતિ હોવા છતાં પાણીની લાઈન રિપેર કરી નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી વેરો ભરતી પ્રજા હેરાન થઈ રહી છે જેમાં પાણી જેવી મહત્વની સુવિધા આપવામાં પણ પાલિકા સતાધીશો નિષ્ફળ નિવડ્યા હોય તેમ રાજપીપળાના વાલ્મીકિ વાસના રહીશો લાંબા સમયથી પાણી માટે વલખાં મારી રહ્યા છે.
આ બાબતે સ્થાનિક અગ્રણી અને શિક્ષક પ્રવીણભાઈએ જણાવ્યું કે અમે ચાર વર્ષથી પાણી માટે તકલીફ વેઠી રહ્યા છે, પાલિકા માં અને કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ અમારા વિસ્તારમાં નહિવત પાણી આવે છે, પહેલા ત્રણ ટાઇમ ફૂલ પાણી મળતુ હતું હવે એકજ ટાઇમ મળે છે તે પણ એકદમ ઓછું પાણી આવે છે, કોઈ મહેમાન આવ્યા હોય તો પણ ઈજ્જત બગડે તેવી હાલત છે, સ્કૂલો માં જતા બાળકોને સ્નાન કરાવવા કે લેટ્રિનમાં વાપરવા નું પાણી પણ પૂરતું મળતું નથી. એકાદ મહિના પર પાણી માટે ખાડા ખોદી ગયા. અને એ ખાડા હજુ ખુલ્લા જ છે જેમાં કોઈ બાળક પડે તેવી સ્થિતિ છે. ખાડા માત્ર દેખાવ પૂરતા જ ખોદી ગયા હોય તેમ કોઈ જોવા આવતું નથી કે નથી લાઈનનું કોઈ રીપેરીંગ થતું . પાલિકા માં રેગ્યુલર વેરો ભરવા છતાં પાણી ની આવી ગંભીર સમસ્યાનો પાલિકા તંત્ર વહેલીતકે ઉકેલ લાવે તેવી અમારી માંગ છે
પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાએ જણાવ્યું કે ચાર વર્ષથી તકલીફ નહિ હોય છતાં શું સમસ્યા છે એ બાબતે હું ચેક કરાવી પાણી પૂરતું મળે એ બાબતે પગલાં લઈશ
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
