<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

રાજપીપળા અંકલેશ્વર એસટી બસમાં ટિકિટનું મશીન ખોટકાતા મુસાફરો સમયસર પહોંચી ના શક્યા

સવારે ૬ વાગે રાજપીપળાથી અંકલેશ્વર જતી બસમાં કેટલાય નોકરિયાતો જતા હોય જેઓ સમયસર નહિ પહોંચતા ભાડું બગાડી પરત ફરવા મજબૂર બન્યા: અધવચ્ચે ટિકિટનું મશીન બગડતા રાજપીપળા ડેપોમાંથી બીજું મશીન મંગાવ્યું ત્યાં સુધી બસ અટકી પડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોમાં ઘણી સમસ્યા હોવાથી મુસાફરો હેરાન થઈ રહ્યા છે જેમાં હાલમાં કંડકટર પાસે રહેતા ટિકિટના મશીનની તકલીફ સામે આવી છે.
   રાજપીપળાથી અંકલેશ્વર સવારે છ વાગે ઉપડતી એસટી બસમાં વધુ પડતાં નોકરિયાતો અપ ડાઉન કરે છે અને આ નોકરિયાત વર્ગ ને ફેક્ટરી હોય કે ઓફિસ હોય ચોક્કસ સમયે જેતે સ્થળે પહોંચવાનું હોવાથી તેઓ સવારની પહેલી બસ માં જતા હોય છે, ગઇકાલે પણ રાબેતા મુજબ રાજપીપળાથી અંકલેશ્વર જતી સવારની છ વાગ્યાની બસમાં રોજિંદા નોકરિયાતો બેઠા હતા પરંતુ અધવચ્ચે કંડકટરનું ટિકિટ આપવાનું મશીન બગડી જતા બીજું મશીન રાજપીપળા ડેપોમાંથી મંગાવ્યું જેના કારણે આ બસ જે તે સ્થળે અધવચ્ચે ઉભી રખાતા અંદર બેઠેલા મુસાફરોનો કલાક જેવો સમય બગડી ગયો અને સમયસર નોકરી પર નહિ પહોંચતા દિવસ અને ભાડું બગાડી તેઓ પરત રાજપીપળા આવવા મજબૂર થયા હતા .
    એસટી ડેપોના સત્તાધીશો એ દરેક બસોમાં કંડકટરને બે મશીન ફાળવવા જોઈએ અને સમાયાંતરે દરેક મશીન ને સર્વિસ કરી અધવચ્ચે ના બગડે તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ તેવું મુસાફરોનું કહેવું છે. જોકે કેટલાક મુસાફરો એમ પણ જણાવતા હતા કે પહેલા જે મેન્યુઅલ ટિકિટ ફાડતા હતા એ પદ્ઘતિ સારી હતી. કેમ કે આ ઓટોમેટિક મશીનો ક્યારે બગડે એ કહી ના શકાય અને બગડે તો આ રીતે નોકરિયાત વર્ગ હેરાન થાય. ડેપો સત્તાધીશો એ દરેક કંડકટર ને સ્પેર મશીન આપવું જોઈએ તેવી માંગ ઉઠી છે

(10:19 PM IST)