News of Tuesday, 18th June 2024
ઉત્તરવાહીની પરિક્રમા બંધ કરાવ્યા બાદ નર્મદા સ્નાન પર પ્રતિબંધના તંત્રના નિર્ણયથી સાધુ સંતો અકળાયા
ગંગા દશહરાના પવિત્ર દિવસે નર્મદા સ્નાન પર પ્રતિબંધ સામે નોંધાવ્યો વિરોધ: જળાશયોમાં પ્રવેશવા, સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાતા રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:તાજેતરમાં નર્મદા અધિક જિલ્લા મેજિસ્ટેટે પ્રવાસીઓને જળાશયો માં ન્હાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવાના તંત્રના નિર્ણયથી ફરી એકવાર સાધુ સંતો નારાજ થયા છે. પહેલા ઉત્તરવાહીની પરિક્રમા બંધ કરાવી હતી હવે નર્મદા સ્નાન પર પ્રતિબંધ મુકવાથી સાધુ સંતો સહીત લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે.
આ અગાઉ પોઇચા ખાતે 8 વ્યક્તિઓ ડૂબ્યાની ગોઝારી ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું હતું .અને નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈપણ જાતની વિધિ કરવા માટે પ્રતિબંધ મુકવાના તંત્રના તઘલખી નિર્ણય સામે સાધુ સંતો અને શ્રદ્ધાળુંઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી, હવે ચોમાસા પહેલા ફરીથી આ પ્રતિબંધ મૂકી દેતા સાધુ સંતો રોષે ભરાયા છે.
સાધુ સંતોના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા વારે વારે હિન્દુ સમાજ ની ધાર્મિક આસ્થાઓ ઉપર પ્રતિબંધ લગાવી ને ઉત્તરવાહીની પરિક્રમા બંધ કરાવી હતી હવે તંત્ર દ્વારા ત્યાં દસ દિવસથી પોલીસ ખડકી દેવામા આવી છે અને મા નર્મદામાં સ્નાન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, ગંગા દશેરાના દિવસે હિન્દુઓ ની ધાર્મિક આસ્થાઓ પર તરાપ મારી હોય એમ ધાર્મિક લાગણીઓ ઉપર પ્રતિબંધ લગાવતા સાધુ સંતો તથા શ્રદ્ધાળુંઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. હિન્દુ સમાજ ઉપર તંત્ર બિન્દાસ પ્રતિબંધ લગાવે છે.છતા પણ નર્મદા જિલ્લા ના કેટલાક હિન્દુ સંતો, કહેવાતા હિન્દુ નેતાઓ, કાર્યકર્તાઓ , અમુક કહેવાતા હિન્દુ સંગઠન કાર્યકર્તાઓ વગેરે ચૂપ કેમ છે? તેમનું સૂચક મૌન પ્રજાને અકળાવી રહ્યું છે. હિન્દુ સમાજે જેમના ઉપર પોતાની રક્ષા,ધર્મ ની રક્ષા,ધાર્મિક આસ્થા ની રક્ષા,ધાર્મિક ઉત્સવોની રક્ષા માટે વિશ્વાસ મૂક્યો એનો આ રીતે વિશ્વાસ ઘાત કરી હિન્દુઓ સાથે દ્રોહ કરવા મા આવી રહ્યો છે જે નિંદા ને પાત્ર છે. આવો આક્રોશ સાધુ સંતોમાં જોવા મળ્યો છે.
નર્મદા સંત સમિતિએ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢતા સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે નર્મદા સ્નાન પરનો પ્રતિબંધ તત્કાળ હટાવી દેવામાં આવે. હિન્દૂ સમાજનું માન સન્માન જળવાય. આટલા વર્ષોમાં એક પણ સારા સુવિધા વાળા નર્મદા ઘાટ નું નિર્માણ થયું નથી જ્યા ભક્તો નર્મદા સલામતી સાથે સ્નાન કરી શકે.
સન્યાસ આશ્રમ નાવરાના સંત સંજય દાસ મહારાજે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ભક્તોને ગંગા દશહરા ના દિવસે નર્મદા સ્નાન પર લાદેલો પ્રતિબંધ યોગ્ય નથી સરકાર આ પ્રતિબંધ હટાવે એવી માંગ કરી છે.
જયારે નારાયણ દાસ મહારાજે જણાવ્યું છે કે દૂર દૂરથી નર્મદા સ્નાન કરવા ભક્તો આવે છે ત્યારે નર્મદા સ્નાન પર લગાવેલો પ્રતિબંધ ઉચિત નથી
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
