<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

સાગબારા સોનગઢ હાઇવે ઉપર ઇકો ગાડી ઉપર હાઈવા ટ્રક પલ્ટી ખાતા ઘટના સ્થળે ઇકો ચાલકનું મોત

માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ઓવરલોડ વાહનો ઉપર પોલીસ વિભાગ લગામ ક્યારે લગાવશે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સાગબારાથી સોનગઢ જતા સ્ટેટ હાઇવે ઉપર બોરડા નજીક સેલટીપાડા ગામની સીમમાં ઇકો ગાડી ઉપર હાઈવા ટ્રક પલ્ટી ખાઈ જતા ઇકો ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થવા પામ્યું હતું.
    મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના અમિયાર ગામના આંગણવાડી ફળિયાનો વતની દિનેશ અજેસિંગ  વસાવા (ઉ.વ. 40) સોમવારની મોડી સાંજે ઇકો ગાડી નંબર GJ 15 CD 7949 લઈને સોનગઢ તરફથી પોતાના ગામ અમિયાર આવી રહ્યો હતો.ત્યારે સાગબારા સોનગઢ સ્ટેટ હાઇવે ઉપર બોરડા ગામ નજીક સેલટીપાડા ગામની સીમમાં થી તે ઇકો ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી ડામરવાળી કપચી ભરેલ હાઈવા નંબર GJ 05 AV 6847 ને ક્રોસ કરી રહ્યો હતો,  એ ડામર વાળી કપચી ભરેલ હાઈવા ચાલક પુરઝડપે ટ્રક હંકારી લાવીને ઇકો ગાડી ઉપર પલ્ટી ખવડાવી દેતા ઇકો ગાડી ઉપર ડામર વાળી કપચી સાથે હાઈવા ટ્રક ઊંધું પડતા ઇકો ચાલક દિનેશ વસાવા સાથે ઇકો ગાડી દબાઈ જતા ઘટના સ્થળે દિનેશ વસાવાનું કરૂણ મૃત્યુ થયું હતું.
    બનાવ બન્યો ત્યારે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 ને ફોન કર્યો હતો ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં સાગબારા ખાતેથી 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે સદનસીબે ઇકો ચાલક દિનેશ વસાવા ને બચાવી શકાયા ન હતા . જેસીબી અને ક્રેન ની મદદ લઈને હાઈવા નીચે દબાયેલા દિનેશ વસાવા અને ઇકો ગાડીને બહાર કાઢવામાં આવી હતી. ઘટના અંગે સોનગઢ પોલીસમાં ફરિયાદી અજેસિંગ મોગીયા વસાવા રહે અમિયાર આંગણવાડી ફળિયું તા.સાગબારાએ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી ફરાર હાઈવા ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાગબારા સહિત ડેડીયાપાડા, ઉમરપાડા અને બાજુમાં આવેલ તાપી જિલ્લાના સોનગઢ, નિજર અને કુકરમુંડા તાલુકામાં આવા ઓવરલોડ રેતી કપચી સહિત ખાણ ખનીજની વસ્તુઓ ભરેલ હાઈવા ટ્રકો માતેલા સાંઢ ની માફક દોડી રહ્યા છે છતાં પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગરીબ નિર્દોષ વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે.

(10:31 PM IST)