News of Tuesday, 25th June 2024
રાજપીપળા જકાતનાકા પાસે અગત્યના દસ્તાવેજનો મોટો જથ્થો ખેતરના છેડે મળી આવતા પોલીસ દોડતી થઈ
- પાકીટ ચોરોએ રૂપિયા લઇ પાકીટ ફેંક્યા કે કોઈ બીજું કારણ એ તપાસનો વિષય :ખેડૂત માલિકે પોલીસને જાણ કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા જકાતનાકા પાસે ખેતરના છેડે ઝાડીમાં ફેંકી દીધેલ હાલતમાં પાકીટ તેમજ અલગ અલગ લોકોના આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ સહિત પાસપોર્ટ સાઈઝના ફોટાનો જથ્થો જોવા મળતા ખેતર માલિકે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજપીપળા જકાતનાકાથી થોડે આગળ કેનલ પાસે ખેતરના છેડે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફોટાનો જથ્થો મળી આવ્યો હતો, ખેતી કામ કરવા ગયેલ ખેતરના માલિકની નજર પડતા જંગલ ઝાડીમાં અલગ અલગ વ્યક્તિના આધારકાર્ડ તેમજ પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પાકીટનો જથ્થો જોતાજ પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસ તરતજ ઘટના સ્થળે પહોંચી હતી અને પાકીટ સહિત ડોક્યુમેન્ટ કબ્જે લીધા હતા, જોકે ચોરોએ વિવિધ જગ્યા પરથી ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો સામાન તેમને કામનો નહી હોય અને ખેતરના છેડે અવાવરું જગ્યા જોઈ ફેંકી દીધો હશે તેવુ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું, પરંતુ વરસતા વરસાદમાં ડોક્યુમેન્ટ સહિતનો સમાન પલળીને ખરાબ થઈ જાય તે પહેલાં પોલીસે તમામ સામાનને કબ્જે લઈ આગળ ની તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આવેલ વિવિધ નાની મોટી સોસાયટીઓમાં છાસવારે ચોરીની ઘટના બનતી હોય છે, જરૂરી પોલીસ પોઇન્ટ પણ વધારી દેવામાં આવ્યા છે, પરંતુ આજે મળી આવેલ જથ્થામાં લોકોના જરૂરી ડોક્યુમેન્ટ છે જે જોતા લાગી રહ્યું છે કે ચોરો એ આ કોઈ એક જગ્યા પરથી ચોરી નથી કરી અલગ અલગ જગ્યા પરથી ચોરી કર્યા બાદ બિન જરૂરી સામાન અહીં ફેંકી દીધેલ છે, પરંતુ હકિત શુ છે એતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
