<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

સરકાર દ્વારા અપાતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો પ્રારંભ કરાવી બાળકો સાથે રિક્ષાની સવારી કરતા મંત્રી ભાનુબેન બાબરિયા

મંત્રીએ આંગણવાડી - શાળામાં પ્રવેશ કરી રહેલા બાળકો સાથે મંત્રીએ પોતાના મોબાઈલમાં સેલ્ફી પણ લીધી :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી-શાળાઓમાં ભુલકાઓને પ્રવેશ કરાવતા મંત્રી ભાનુબેન બાબરિયા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા :નર્મદા જિલ્લામાં  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુભેન બાબરિયા ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં પહોંચ્યા હતાં. 

મંત્રીએ ઉંડવાસાંકળ અને કારેલી ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી તેમજ માધ્યમિક શાળા કારેલીના આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ - ૧ તથા ધોરણ - ૯ના બાળકોનું નામાંકન અને કંકુ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. 

મંત્રી ભાનુબેન બાબરિયાએ જાણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવના શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

મંત્રીએ ઉમેર્યું કે, આંગણવાડીમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પણ બાળકો અને મહિલાઓના આરોગ્યની કાળજી રાખી સુપોષણને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી આંગણવાડીમાં તેનો લાભ આપવામાં આવે છે જેનો સૌ લાભાર્થીઓને યોગ્ય લાભ લેવા અનુરોધ કર્યો હતો. 

શાળાથી દૂરના અંતરે રહેતા બાળકોને શાળા સુધી જવા માટે સરકાર દ્વારા અપાતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો પ્રારંભ કરાવી બાળકો સાથે મંત્રી ભાનુબેન બાબરિયાએ રિક્ષાની સવારી કરી હતી. સાથોસાથ આંગણવાડી - શાળામાં પ્રવેશ કરી રહેલા બાળકો સાથે મંત્રીએ પોતાના મોબાઈલમાં સેલ્ફી પણ લીધી હતી. 

આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ ગાંધીનગરના મદદનીશ નિયામક અલ્પાબેન સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ અને જિલ્લાના મહિલા અગ્રણી જયશ્રીબેન ધામી તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ અને ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

(9:26 PM IST)