News of Thursday, 27th June 2024
ડેડીયાપાડાના મોરજડી ગામે વાસ્મો યોજનાની પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા લોકોને હાલાકી
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તાત્કાલીક લોકોને પડતી હાલાકી દૂર કરવા વાસ્મો ના અધિકારીઓને સચેત કર્યા

ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકારી યોજનાઓ ની અમલવારીમાં લાલિયાવાડીથી આમ જનતાને પડતી પારાવાર હાલાકી થી લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તકલાદી કામગીરીઓના અનેક કિસ્સાઓ આદીવાસી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લા માં પ્રકાશ માં આવી રહ્યા છે ત્યારે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના મોરજડી ગામ ખાતે બગલાખાડીનાં રસ્તા ઉપર થી ગ્રામજનોને અવર જવર કરવામા ભારે હાલાકી ભોગવવી પડતા અઘિકારીઓ ને લોકો ને પડતી હાલાકી દુર કરવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા ના નામ થી પોસ્ટ કરવામાં આવી છે કે ડેડીયાપાડા તાલુકા ના મોરજડી ગામ ખાતે બગલાખાડી નાં રસ્તા નું ધોવાણ થતાં પ્રજાને અવરજવર માં ભારે મુશ્કેલી પડી રહી છે ,દિવસ દરમિયાન હજારો લોકોની અવિરત અવર-જવર આ રસ્તા ઉપરથી રહેતી હોય છે જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે.
રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંબંધિત વાસમો નાં અધિકારીઓ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ વહેલીતકે આ સમસ્યાનો નિકાલ કરી લોકો ને પડતી હાલાકી દૂર કરે તેમ મનસુખ વસાવા એ પોસ્ટ માં જણાવ્યું છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
