<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સાંજે છેલ્લા 2 કલાકમાં 81 તાલુકામાં વરસાદ :રાપરમાં સવા ઈંચ ખાબક્યો : નવસારીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો

તાપીના વ્યારા, સોનગઢમાં 1 ઈંચ, અમદાવાદના બાવળા અને મોરબીના હળવદમાં 1-1 ઈંચ વરસાદ

અમદાવાદ :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે પણ રાજ્યના વિવિધ જિલ્લાના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સાંજે 4 થી 6ના બે કલાકના સમયગાળા દરમિયાન 81 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

વીતેલા 2 કલાકમાં કચ્છ જિલ્લાના રાપરમાં સૌથી વધુ સવા ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય નવસારીમાં 1 ઈંચ, તાપીના વ્યારા, સોનગઢમાં 1 ઈંચ, અમદાવાદના બાવળા અને મોરબીના હળવદમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે દિવસ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા તાલુકા, નવસારીના ખેરગામ અને વલસાડના ઉમરગામમાં પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય બોટાદમાં અઢી ઈંચ, નવસારીના ગણદેવીમાં સવા ઈંચ,તાપીના વાલોદમાં સવા ઈંચ, નવસારીના ચિખલીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ સાવરકુંડલાના ગોરડાકા, લુવારા અને રામગઢમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. જ્યારે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને લાઠીમાં ભારે વરસાદના પગલે રસ્તા પાણીથી તરબોળ થયા છે.


 

(7:28 PM IST)