<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

વિદ્યાધામ પાસે ધમધમતા સ્પા સેન્ટરમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ

સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનું ઝડપાયુંઃએસઓજી પોલીસના દરોડામાં ૬ વિદેશી અને ૨ ભારતીય યુવતીઓ સાથે ગ્રાહક-સંચાલક સહિત ૧૭ ની ધરપકડ

આણંદ,તા.૫

આણંદ જિલ્લા એસઓજી પોલીસે શહેરના રાજપથ માર્ગ પર આવેલા  કિશ્ના કોમ્પેલેક્ષમાં ચાલતા રોલેકસ સ્પા સેન્ટરમાં આજે સાંજના સમયે છાપો મારી ૮ યુવતીઓને ૮ ગ્રાહકો સાથે ઝડપી પાડયા હતા અને સંચાલક સહિત ૧૭ જણાં  વિરૃદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વલ્લભ વિદ્યાનગર જેવા શિક્ષણધામ નજીક આવેલા આ સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થતાં ભારે ચકચાર જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ એસ.ઓ.જી પોલીસને માહિતી મળી હતી કે, આ સ્પા સેન્ટરમાં દેહવેપાર ચાલી રહ્યો છે, જેથી એક ડમી ગ્રાહક મોકલી તેની ચકાસણી કરી હતી જે સાચી નીકળતાં એસઓજી પોલીસે આજે ઢળતી સંધ્યાએ રાજપથ માર્ગ  પરના ક્રિશ્ના કોમ્પલેક્ષના ત્રીજા માળે ચાલતા રોલેક્ષ સ્પા સેન્ટરમાં છાપો માર્યો હતો.  પોલીસે મારેલા છાપામાં ૮ યુવતીઓ સાથે ૮ યુવાનો પણ ઝડપાઈ ગયા હતા. પોલીસે આ સ્પા ના સંચાલક મૂળ ભાવનગરના વિપુલ ડાંગર નામના શખ્સની પણ ધરપકડ કરી હતી. પકડાયેલ યુવતિઓમાં બે મુંબઈની,  એક કેન્યાની અને પાંચ યુવતીઓ થાઈલેન્ડની હતી. પોલીસે છાપો માર્યા બાદ તરત જ મોટી પોલીસ વાન બોલાવી હતી અને તેમાં આ ૧૬ ઉપરાંત સંચાલક મળી ૧૭ વ્યકિતઓને તેમાં બેસાડી આણંદ શહેર પોલીસમથકે લઈ જવાયા હતા.  પોલીસે સ્થળ પરથી મોબાઈલ, રોકડ રકમ અને અન્ય વાધાજનક વસ્તુઓ પણ કબ્જે કરી છે.

સ્પા સેન્ટર ઉપર છાપો પડયો હોવાની જાણ થતાં જ લોકોના ટોળાં સેન્ટરની સામે ઉમટી પડયા હતા અને આવતાં- જતા રાહદારીઓ પણ વાહનો ઉભા રાખી શું થયું તે જાણવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પોલીસે છાપો માર્યો ત્યાં સુધી કોઈને ગંધ આવી ન હતી. પરંતું થોડીજ વારમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને લોકો ઉમટવા લાગ્યા હતા. વિદ્યાધામની નજીક વિદ્યાર્થીઓને ફસાવી સોશિયલ મીડિયા અને મોબાઈલ પર ફોટા મોકલી આ દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હોવાનું ખુલતાં  શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસની તપાસમાં છ વિદેશી યુવતીઓ જાન્યુઆરીમાં જ વિઝીટર વિઝા લઈને ભારત આવી હતી.  એવી પણ વિગત બહાર આવી છે કે બે દિવસ બાદ યુવતીઓની રિટર્ન ટીકીટ પણ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે કે તેમાં સત્ય શું છે. તેમના વિઝા ક્યારે પૂરા થઈ રહ્યા છે અને અત્યારે તેઓ ગેરકાયદે વસવાટ કરતા હતા કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આણંદ અને વિદ્યાનગર એ શૈક્ષણિક નગરી તરીકે વિકસી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી કરી છે.  અહીં બહારગામથી વસવાટ કરતા વિદ્યાર્થીઓને ફસાવી  કેટલાંક લાલચુઓ સ્પાની આડમાં જ દેહવ્યવસાયનો કારોબાર ચલાવતા હોય છે. બિલાડીના ટોપની જેમ સ્પા સેન્ટરો ફૂલ્યા-ફાલ્યા છે. એવું કહેવાય કે, આણંદ, વિદ્યાનગર અને કરમસદમાં તો ઓછામાં ઓછા ૫૦થી વધુ સ્પા સેન્ટરો છે.

આણંદ એસઓજીના પીઆઈ જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં છ મહિનાથી ભાવનગરના વિપુલ ડાંગર નામના શખસ દ્વારા ક્રિષ્ના કોર્નર કોમ્પલેક્ષના ચોથા માળે રોલેક્સ સ્પા નામે સ્પા ચલાવવામાં આવતું હતું. અમને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી, જેમાં આ શખ્સ સ્પાની આડમાં દેહવ્યવસાય ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે સમગ્ર બાબતની ખરાઈ કરવા માટે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો.

આણંદ એસઓજીએ મહિલા પોલીસને સાથે રાખીને બુધવારે મોડી રાત્રે આણંદ ગુજરાતી ચોક ખાતે આવેલા અમુલ ગેસ્ટ હાઉસ ખાતે દરોડો પાડ્યો હતો. જેમાં વિષ્ણુ ઉર્ફે નિકુલ જશવંત ઉર્ફે મુકેશ (રહે. ડાકોર) અને ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું તેમજ ગેસ્ટ હાઉસના માલિક રજ્જાક મોહમ્મદ વ્હોરા (રહે. નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગેસ્ટ હાઉસની રૃમોમાં એક શખ્સ અને બે મહિલાઓ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા મોન્ટી સુરેન્દ્રનલાલ (હાલ રહે. ઉતરાખંડ) તેમજ રતન રમેશ બિશ્વાસ (હાલ રહે. ઉમરેઠ, મૂળ રહે. વેસ્ટ બંગાળ) હોવાનું જણાવ્યું હતું.

(9:39 PM IST)