<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ગુજરાતના 121 તાલુકામાં મેઘમહેર: સુરતમાં ફરી વરસાદ : ઉમરપાડામાં સાડા 4 ઈંચ, કામરેજમાં 4 ઈંચ ધોધમાર ખાબક્યો

સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે આજે વહેલી સવારથી સુરતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડા અને કામરેજમાં 100 મિમી કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે દિવસ દરમિયાન રાજ્યના 120થી વધુ તાલુકામાં મેઘમહેર થઈ છે.

સુરત જિલ્લાના ઉમરપાડામાં આજે દિવસ દરમિયાન સાડા 4 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સિવાય નવસારીના વાસંદામાં સવા 4, સુરતના કામરેજમાં 4 ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં પોણા 4 ઈંચ, નવસારીના ખેરગામમાં સાડા 3 ઈંચ, વલસાડના કપરાડામાં સાડા 3 ઈંચ, તાપીના ડોલવણમાં સવા 3 ઈંચ, નર્મદાના તિલકવાડા અને ડેડિયાપાડામાં પણ સવા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જો સાંજે 6 થી 8 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, આ બે કલાક દરમિયાન રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ સવા ઈંચ વરસાદ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં નોંધાયો છે. જ્યારે આજ જિલ્લાના ઉમરાળામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યના 40 તાલુકામાં 1 ઈંચથી વધુ, 20 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 10 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ 10 તાલુકામાં એક ઈંચથી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ પડ્યો છે.

, હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યેલો એલર્ટ અપાયું છે.

અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં સૂશળધાર વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, મોરબી અને અમરેલીમાં ધોધમાર વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે વરસાદની સંભાવના છે.અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવા ઝાપટા એટલે કે અમી છાંટણા થવાની સંભાવના છે

(10:48 PM IST)