<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

અમદાવાદના જગન્નાથ મંદિરે નરેન્‍દ્રભાઇ એ જાળવી ૧૧ વર્ષની પરંપરાઃ પ્રસાદ મોકલ્‍યો

પીએમ મોદીએ આ વર્ષે પણ પ્રસાદ મોકલવાની પરંપરા નિભાવી છે. ભગવાન જગન્નાથજીને કેરી, જાંબુ, મગ, મિષ્ટાન અને મેવાનો પ્રસાદ ધરાવ્યો છે

અમદાવાદઃ  આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી છે ત્યારે સવારે 4:30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 05:30 વાગ્યે ભગવાન જગન્નાથ અને 5:35 વાગ્યે બહેન સુભદ્રાજી અને 5:50 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જગન્નાથ મંદિરમાં PM મોદીએ પ્રસાદ મોકલ્યો છે.

PM મોદીએ આ વર્ષે પણ પ્રસાદ મોકલવાની પરંપરા નિભાવી છે. ભગવાન જગન્નાથજીને કેરી, જાંબુ, મગ, મિષ્ટાન અને મેવાનો પ્રસાદ ધરાવ્યો છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દર વર્ષે રથયાત્રામાં પ્રસાદ મોકલે છે તેમજ જઓ સતત 11 વર્ષથી પ્રસાદ મોકલી રહ્યાં છે. મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અનેક વખત તેમણે પહિંદ વિધિ કરી હતી

2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને દિલ્હી ગયા પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી રહી છે. 2014થી અત્યાર સુધી પીએમ મોદી દર વર્ષે મગ અને જાંબુ પ્રસાદ માટે અચૂક મોકલાવે છે. તેઓ સીએમ હતા ત્યારે પણ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ મોકલાવતા હતા અને આ પરંપરા તેમણે દિલ્હીની ગાદીએ બેઠા બાદ પણ જાળવી રાખી છે. પીએમ મોદીના પૂરા પરિવારની ભગવાન જગન્નાથ સાથે લાગણી જોડાયેલી છે, જ્યારે તેમનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે પૂરો પરિવાર ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યો હતો અને માતા હીરાબાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમણે 2002થી 2013 સુધી સતત 12 વર્ષ સુધી પ‌હિંદવિ‌ધિ કરી હતી. સૌથી વધુ પહિંદવિ‌ધિ કરનારા સીએમ નરેન્દ્ર મોદી છે.

કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે, પરંતુ ભગવાન વિષ્ણુની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે રથ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શ માત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુસહસ્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

(1:27 PM IST)