News of Saturday, 13th July 2024
રેલવેનો ગજબ નિયમ : ગમે એટલી વેઈટિંગ ટિકિટ આપવાની, પરંતુ મુસાફરી માટે કોચમાં નો એન્ટ્રી
યુપી અને બિહાર જતી ટ્રેનમાં ૨૦૦થી લઇને ૪૦૦ સુધી આપવામાં આવતી વેઇટિંગ ટિકિટ : રેલવેના મુસાફરોના ખિસ્સા ખંખેરવા વેઈટિંગ ટિકિટ આપવાના નિયમમાં કોઇ સુધારો નહીં

સુરત, તા.૧૩: રેલવે તંત્ર દ્વારા વેઈટીંગ ટિકીટ ધરાવનારને જનરલ કોચમાં જ મુસાફરી કરવા દેવાનો નિયમ લાગુ તો કરવામાં આવ્યો છે. પરંતુ તેઓ દ્વારા જ સ્લીપર અને એસી કલાસમાં ૨૦૦થી લઇને ૪૦૦ ટિકીટ વેઇટીંગ આપતુ હોવાના કારણે મુસાફરો લૂંટાઇ છે. જ્યારે રેલવે દ્વારા જ વેઈટીંગ ટિકીટ આપવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો વેઇટીંગ ટિકીટ આપવાની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવે તો જ મુસાફરોને રાહત થાય તેમ છે.
૧ જુલાઇથી રેલવે તંત્રએ જે કલાસની વેઈટીંગ ટિકીટ હોય તે મુસાફર તે કલાસના કોચમાં મુસાફરી કરી શકશે નહીં તેવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમ છતાં મુસાફરી કરતા પકડાય તો ૪૦૦ રુપિયાનો ઇંડ વસુલ કરીને કોચમાંથી ઉતારી દેવાની કાર્યવાહી કરવાની છે. જેથી મુસાફરે જનરલ કલાસમાં મુસાફરી કરવાની સ્થિતી ઉભી થતી હોય છે. જોકે જનરલ કલાસ અને અન્ય કલાસની ટિકીટના દરમાં મોટો તફાવત હોવાના લીધે મુસાફરો લૂંટાઇ રહ્યા છે. જો રેલવે દ્વારા વેઇટીંગ ટિકીટના મુસાફરોએ જનરલ કલાસમાં જ મુસાફરી કરવાતો નિયમ લાવવામાં આવે તો તેની સાથે વેઈટીંગ ટિકીટ આપવાની સંખ્યામાં પણ ઘટાડો કરવો જરુરી છે.
કારણ કે રેલવે તંત્ર પાસે એવી સિસ્ટમ છે જ કે કેટલા મુસાફરોની ટિકીટ કન્ફર્મ થઇ શકશે તેની જાણકારી સરળતાથી મળી રહેતી હોય છે. તેમ છતાં યુપી, બિહાર, હાવડા તરફ જતી ટ્રેનના સ્લીપર અને એસી કોચમાં ૨૦૦થી લઇને ૪૦૦ મુસાફરો સુધીની વેઇટીંગ ટિકીટ આપવામાં આવી રહી છે. હવે આ મુસાફરોની ટિકીટ કન્ફર્મ નહીં થાય તો તેઓએ જનરલ કલાસમાં મુસાફરી કરવાની રહેશે. જ્યારે વેઇટીંગ ટિકીટ લીધા બાદ જ્યારે મુસાફર ટિકીટ રદ કરાવે તો તેની પાસેથી પ્રતિ મુસાફર ૬૦ રુપિયા સુધી કાપી લેવામાં આવતા હોય છે. જેથી રેલવેને તો બંને બાજુથી ફાયદો થઇ રહ્યો છે.
કલોન ટ્રેન દોડાવવાની વાતો કાગળ પર
રેલવે તત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થાય એટલે કે વેઇટીંગ ટિકીટ લેનારા મુસાફરોની સંખ્યા વધી ગઇ હોય તેવા કિસ્સામાં કલોન ટ્રૈન એટલે કે તે જ રુટ પર બીજી વધારાની ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી, જોકે તે વાત હજુ પણ કાગળ પર જ રહી છે. જોકે વેકેશનના સમયગાળામાં વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત યોક્કસ કરીને દોડાવવામાં પણ આવે છે. પરંતુ તેનો સમય અને વારની જાહેરાત પહેલેથી જ કરી દેવામાં આવતી હોય છે. તેના બદલે જે દિવસે મુસાફરોની સંખ્યા વધી જાય ત્યારે જ ટ્રેનને દોડાવવામાં આવે તો જ મુસાફરોને સૌથી વધુ રાહત થાય તેમ છે.
ઓનલાઇન ટિકિટ કન્ફર્મ ન થાય તો નાણાં કપાય છે
રીઝર્વેશનની ટિકીટ રેલવેના કાઉન્ટર પરથી, વાયટીએસકે પરથી અથવા તો ઓનલાઇન પર કરાવી શકાય તેવી સુવિધા મુસાફરોને રેલવે દ્વારા આપવામાં આવી છે. પરંતુ રેલવેના રીઝર્વેશન કાઉન્ટર પરથી ટિકીટ રદ કરાવવામાં આવે તો જ ૬૦થી લઇને ૭૫ સુધી નાણાં કાપી લેવામાં આવતા હોય છે. જ્યારે વાયટીએસકે અથવા તો ઓનલાઇન ટિકીટ કરાવી હોય અને તે વેઇટીંગમાં જ રહી ગઇ હોય તેવા સંજોગોમાં મુસાફર પાસેથી પ્રતિ મુસાફર ૧૦૦થી લઇને ૧૫૦ સુધીની કિંમત વસુલવામાં આવી રહી છે. જેથી રેલવે દ્વારા વેઇટીંગ ટિકીટમાં મુસાફરી કરવાના નિયમમાં જે રીતે ફેરફાર કરવામાં આવ્યો છે તેવી જ રીતે વેઇટીંગ ટિકીટ આપવાના નિયમોમાં પણ સુધારો કરવાની તાતી જરૂરીયાત છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
