<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

રાધનપુરની ખારીયા નદીના પુલ પર ST-ટ્રક વચ્ચે અકસ્માત થયો

મૃતકોની લાશનાં પંચનામાં કરી પીએમ માટે રાધનપુર હોસ્પિટલમાં ખસેડાયા : ૬થી વધુ લોકો ઘાયલ થયા

 પાટણ, તા.૧૪,

પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવમાં ગત મોડી રાત્રે વધુ એક માર્ગ અકસ્માત રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર આણંદથી રાપર જતી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો જેમાં બસના ડ્રાઈવર-કંડકટર તથા ટ્રકના ડ્રાઇવર-કંડકટર મળી કુલ ચાર લોકોનાં મોત નીપજ્યા હતા જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકી છથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ અકસ્માતના પગલે હાઇવે પરના બંને માર્ગો પર વાહનોના ચક્કાજામ થતાં અને અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ સહિત સેવાભાવી વ્યક્તિઓને થતાં તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બન્ને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડી માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવી ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પ્રથમ રાધનપુર અને ત્યારબાદ જરૂર જણાય તેવા ઈજાગ્રસ્તોને પાટણ અને મહેસાણા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોના પંચનામા કરી પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે સર્જાયેલા એસટી બસ અને ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા એસટી બસ ડ્રાઇવર ખેરાલુ પાસેના સુઢીયા ગામના હોવાનું જયારે કંડકટર રાધનપુર તાલુકાના અમરપુરાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામનાર ટ્રકનો ચાલક અને કંડકટર બામરોલી ગામના ઠાકોર અને બજાણીયા સમાજના હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર હાઈવે પરના ખારીયા નદીના પુલ પર એસટી બસ અને ટ્રક વચ્ચે બનેલ અકસ્માતનું કારણ પુલ સાંકડો હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થળ પરના લોકો એ જણાવ્યું હતું. અકસ્માત મામલે આગળ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

                     મૃતકોના નામ

ઠાકોર કનુજી શંકરજી (ઉ.વ.૪૧ ગામ સુંઢિયા, તા. વડનગર, જિ. મહેસાણા), ઠાકોર લાલાભાઈ વાહજીભાઈ (ઉ.વ. ૩૩ અમીરપુરા, તા. રાધનપુર), બજાણીયા અમરતભાઈ રામસીભાઈ (ઉ.વ.૩૦ જારૂશા, તા.સાંતલપુર), ઠાકોર નિકુલભાઈ ભારુભાઈ (ઉ.વ.૨૦ બામરોલી, સાંતલપુર)

(11:25 AM IST)