તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Sunday, 14th July 2024
સુરતના વેપારીએ લાખોની કિંમતના લેબ્રોન ડાયમંડ પર પીએમ મોદીને આબેહૂબ કંડાર્યા:મોદી ડાયમંડ નામ આપ્યું
મોદી ડાયમંડ સમગ્ર એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

સુરત :ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં અવનવી ડાયમંડ ની વસ્તુઓ અને ડાયમંડ પર વર્ક કરાતા જોવા મળે છે. સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ડાયમંડ એસોસિએશન દ્વારા ત્રણ દિવસનો વિશેષ એક્ઝિબિશન એક્સ્પો યોજાયો છે. જેમાં 118 થી વધુ સ્ટોલ જુદા જુદા ડાયમંડ વેપારીઓના પ્રદર્શિત કરાયા છે. ત્યારે આ તમામ સ્ટોલ પૈકિ સુરતના એક ડાયમંડ વેપારીએ તેના સ્ટોલમાં અનોખો ડાયમંડ તૈયાર કર્યો છે. સુરતના કિરણ સુથાર નામના ડાયમંડ વેપારીએ લાખોની કિંમતના લેબ્રોન ડાયમંડ પર પીએમ મોદીને આબેહૂબ કંડાર્યા છે. અને આ ડાયમંડને તેમણે મોદી ડાયમંડ નામ આપ્યું છે.
જુદી જુદી વસ્તુઓ ઉપર કોઈની પણ પ્રતિકૃતિ દોરવી ખૂબ જ સરળ હોય છે પરંતુ ડાયમંડ ઉપરથી કરવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. અને તેમાં રિસ્ક પણ ઘણું રહેલું છે. જેથી ડાયમંડ ઉપર કોઈપણ વ્યક્તિને પ્રતિકૃતિ તૈયાર કરવી એ તમામ વેપારીઓ કરી શકતા નથી. ત્યારે ડાયમંડ વેપારી કિરણ સુધારે તૈયાર કરેલ મોદી ડાયમંડ સમગ્ર એક્ઝિબિશનમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આખા એક્ઝિબિશનમાં આ એકમાત્ર ડાયમંડ તમામ કરતાં અલગ ઊભરી આવ્યો હતો. જેને જોઈ સામાન્ય વેપારીઓથી લઈ નેતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ અનોખો ડાયમંડ હીરાના વેપારી કિરણ સુથાર અને તેમના બે મિત્રો પંકજ ઢોલરીયા અને નવરસ ઢોલરીયાએ સાથે મળી તૈયાર કર્યો છે.. ખૂબ જ મહેનત બાદ આ ડાયમંડ તૈયાર થયો હોવાનું તેમનું કહેવું છે. કિરણ સુથારે જણાવ્યું હતું કે આ ડાયમંડને બનાવવામાં 20 થી 25 દિવસ લાગ્યા હતા. અને 12 થી 15 જેટલા રત્ન કલાકારોની મહેનત બાદ આ ડાયમંડ તૈયાર થયો છે.
મોદી ડાયમંડ તૈયાર થયો તે પહેલાં આ ડાયમંડ 40 કેરેટનો લેબગ્રોન ડાયમંડ હતો.તેની પર પ્રોસેસ કર્યા બાદ 8 કેરેટનો ડાયમંડ તૈયાર થયો. ત્રણ વખત ડાયમંડ બ્રેક થયો હતો. તેને લઈને 75 હજારની નુકસાની પણ થઈ હતી. કારણ કે એક વખત ડાયમંડને પોલિશિંગ કરવા માટે 25,000 જેટલો ખર્ચ થાય છે અને આમ ત્રણ વખત આ ડાયમંડ લેસર ડ્રોઈંગ દરમિયાન બ્રેક થતા ફરી પોલિસિંગ કરવો પડ્યો હતો.
ડાયમંડ વેપારીએ આ ડાયમંડને વેચવા માટે નહીં પરંતુ ત્યાં આવનાર વેપારીઓના પ્રદર્શન માટે રાખ્યો છે. તેમણે આ ડાયમંડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સામાન્ય રીતે આ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડની કિંમત 5 લાખ રૂપિયા આંકવામાં આવે છે પરંતુ હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસ લેસર વડે આ ડાયમંડ પર દોરવામાં આવ્યો છે ત્યારે તેની કિંમત આંકી ન શકાય. અને વેપારીને જ્યારે પણ મોકો મળશે ત્યારે તે પ્રધાનમંત્રીને આ ડાયમંડ ભેટમાં આપશે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
