News of Monday, 15th July 2024
રાજપીપળા નવી કોર્ટ બિલ્ડિંગનો ત્રીજો માળ પાણીમાં ગરકાવ : તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી નવી કોર્ટ બિલ્ડિંગ ના ત્રીજા માળે પાણી ભરાઈ જતાં તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.
સોમવારે વહેલી સવારથી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો જેમાં રાજપીપળા માં આવેલી નવી કોર્ટના બિલ્ડિંગના ત્રીજા માળે પાણી ભરાઈ ગયા હતા જેના કારણે માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવેલ આ મકાનની કામગીરી બાબતે સવાલ ઊભા થયા છે કરોડો ના ખર્ચે બનાવેલ આ મકાનમાં વરસાદ પડતાં જ પાણી કંઈ રીતે ભરાયાં, શું કામગીરી હલકી ગુણવત્તા વાળી કરવામાં આવી છે..? તેવા સવાલ ત્યાંના વકીલો અને અન્ય સ્ટાફ માં ઉઠ્યા હતા.
સરકારી કચેરીઓ કે કોર્ટના મકાનના બાંધકામ માં જ જો માર્ગ મકાન વિભાગના સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર આચરે તો લોકના ઉપયોગ માટે બનતા માર્ગો કે બ્રિજમાં તો તંત્રના અધિકારીઓ કેટલો મોટો ભ્રષ્ટાચાર આચરતા હશે..? તેવી પણ ચર્ચા સંભળાઈ હતી.
આ બાબતે નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું કે માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવેલ કોર્ટની બિલ્ડિંગમાં યોગ્ય ગુણવત્તા વાળી કામગીરી થઇ હોય તેમ જણાતું નથી અને હાલમાં તો ચોમાસાની હજુ શરૂઆત છે તેમાંજ જો કોર્ટના મકાનમાં પાણી ભરાઈ જાય તો હજુ વધુ વરસાદ પડશે તો શું થશે..? અત્યારે તો ત્રીજા માળે પાણી ભરાયુ છે પરંતુ વધુ વરસાદ પડે અને ચાલુ કોર્ટ રૂમમાં પાણી ભરાઈ જાય તો શું થાય..? માટે તંત્ર ના અધિકારીઓ તાત્કાલિક આનું નિરાકરણ લાવી યોગ્ય કરે તેવી માંગ કરી છે
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
