<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

સચિનના પાલી ગામમાં છ માળની ઇમારત ધરાશાયી થયા બાદ સાત લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા

તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ઃઇમારત ધરાશાયી થયા બાદ સાત લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને સાતેય લોકોના મોત થયા છે

સુરત, તા.૧૭

સુરતના સચિન અને કનસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરીત મકાનો ખાલી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે પોલીસની ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને ઘરોમાં બંધ કરી અને વિરોધ ન થાય તે રીતે બળપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.

સચિનના પાલી ગામમાં છ માળની ઇમારત ધરાશાયી થયા બાદ સાત લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને સાતેય લોકોના મોત થયા છે.

આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરીત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે. ત્યારે સચિન અને કનસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ સલ્મ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરીત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે.

અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી. જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગર પાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે.

વર્ષ ૧૯૯૧માં આ મકાનો ફાળવવામાં આવ્યા છે. ૩૩ વર્ષ જુના આ મકાનો હાલ અતિ જર્જરિત થઈ ગયા છે. જેને લઈને પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે.

જો કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ઘાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ રહીશો કોઈ ગુનો આચરીને છુપાયેલા હોય તેવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે. રહીશોએ વાત કરતા જણાવ્યું હતું કે, આ મકાનો ખાલી કરવાની અમને નોટિસ આપ્યા બાદ ઘણા બધા લોકોએ ઘર ખાલી કરી નાખ્યા છે. પરંતુ આજુબાજુની સોસાયટીમાં જે ઘરો ખાલી છે એના મકાન માલિકોએ ઘરના ભાડામાં વધારો કરી દીધો છે. અને હાલ ચોમાસાની સિઝન છે અમે આ ઘર છોડીએ અને બીજું ઘર નહિ મળે તો અમે ક્યાં રહીશું ફૂટપાથ પર .?

અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસની ફોર્સ ઉતારી દેવામાં આવી છે. જેમાં એસીપી, ૩  પીઆઇ, ૬  પીએસઆઇ અને ૨૦૦ થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન પણ અહીં ઉપસ્થિત થયા છે અને લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી આ ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે.

(10:27 PM IST)