<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

દહેગામમાં બેફામ કાર ચાલકે અડફેટમાં લેતા શિક્ષિકા હવામાં ફંગોળાયા બાદ નીચે પટકાઈ : જુઓ સમગ્ર ઘટનાનો વિડિઓ

રસ્તો ક્રોષ કરતા શિક્ષિકાને કાર ચાલકે અડફેટે લીધી નિમિશાબેનને હાથમાં ફ્રેક્ચર અને માથામાં હેમરેજ થયું

ગાંધીનગર જિલ્લાના દહેગામ-કપડવંજ રોડ પર માંતેલા સાંઢની માફક ધસી આવેલી કારે રસ્તો ક્રોસ કરી રહેલી શિક્ષિકાને અડફેટમાં લીધી હતી. જેમાં શિક્ષિકા હવામાં ફંગોળાયા બાદ નીચે પટકાતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દહેગામના કપડવંજ રોડ પર આવેલ સાનવી રેસિડન્સીમાં રહેતા નિમિશાબેન ઘોશાળકર નહેરુ ચોકડી નજીક આવેલ ગુરુકુળ એજ્યુકેશન નામના ટ્યુશન ક્લાસિસમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 15 જુલાઈના રોજ નિમિષાબેન પોતાનું જ્યુપીટર લઈને ક્લાસિસ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. જ્યાં ક્લાસીસની સામે પોતાનું ટૂ-વ્હીલર પાર્ક કરીને નિમિષાબેન રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. 

આ દરમિયાન પુરપાટ આવતી કારના ચાલકે નિમિષાબેનને પાછળથી ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતા બેભાન થઈ ગયા હતા. આ સમયે દોડી આવેલા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ નિમિષાબેનને સારવાર અર્થે દહેગામની મિશિકા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિટીસ્કેન અને એક્સ-રે સહિતના રિપોર્ટ કરવામાં આવતા નિમિશાબેનને હાથમાં ફ્રેક્ચર અને માથામાં હેમરેજ થયું હોવાનું નિદાન થયું છે.

આ અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે, નિમિષાબેન રસ્તો ક્રોસ કરીને સાઈડમાં ચાલી રહ્યા છે. આ દરમિયાન પુરપાટ આવતી વ્હાઈટ કલરની કાર નિમિષાબેનને પાછળથી ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઈને નીચે પટકાય છે. જે બાદ આગળ જઈ રહેલા અન્ય બે રાહદારીઓ આગળ જઈને કાર ઉભી રહી જાય છે. આ દરમિયાન બેભાન થઈને પડેલા નિમિશાબેનની આસપાસ લોકોના ટોળા વળી જાય છે. હાલ તો પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 AM IST)