<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

રાજકોટ અગ્નિકાંડની અમદાવાદમાં માઠી અસર: એકસાથે 25 જેટલા મિનિપ્લેક્સ પર તાળા લાગ્યા: હજારો કર્મચારીઓની નોકરી પર ખતરો

અચાનક સિલ અને સ્પષ્ટતા વિના સિલ કરવાના નિર્ણયને કારણે અનેક કર્મચારીઓની નોકરીનો પ્રોબ્લેમ થઈ શકે: છેલ્લાં 50 દિવસથી એજન્સી દ્વારા રખાયેલ માણસો સાથે મેનેજર અને સ્ટાફનો પગાર કેમ ચૂકવવો તેની ચિંતા

અમદાવાદ : શહેરના મિનિપ્લેક્સ ઉદ્યોગ ખતરામાં છે. માત્ર અમદાવાદ શહેરમાં એકસાથે 25 જેટલા મિનિપ્લેક્સ પર તાળા લાગી ગયા છે. જેને કારણે 1200થી વધારે કર્મચારીઓની નોકરી પર ગંભીર અસર થઈ છે. છેલ્લાં 50 દિવસમાં કરોડો રૂપિયાના બિઝનેસને નુકસાન થયું છે.

   અમદાવાદને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવાના પ્રયાસ વચ્ચે માત્ર અમદાવાદના વીડિયો સિનેમા દ્વારા ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન હોવા છતાં, કલેક્ટરે લાયસન્સ આપ્યું હોવા છતાં, કોર્પોરેશને મિનિપ્લેક્સ બંધ કર્યા હોવાનું માલિકોનું કહેવું છે.

    કોઈપણ સ્પષ્ટતા કે પૂર્વ સૂચના આપ્યા વગર રાજકોટના અગ્નિકાંડની અસરને પગલે AMCના અધિકારીઓએ ખોટી કાર્યવાહી કરી હોવાનું માલિકોનું કહેવું છે. અમદાવાદ સિવાય જ્યાં ઘટના બની એ શહેર સાથે ગાંધીનગર, સુરત સહિતના અનેક જિલ્લાઓમાં મિનિપ્લેક્સ ચાલુ છે. માત્ર ને માત્ર અમદાવાદના મિનિપ્લેક્સ બંધ થતાં માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

  રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને પણ આ અંગે રજૂઆત કરી હોવા છતાં, હજુ સુધી આ મુદ્દા પર મુખ્યમંત્રીએ કોઈપણ નિર્ણય ન લેતાં એકસાથે 1200 કર્મચારીઓ બેરોજગાર થવાના કગાર પર હોવાનું માલિકનું કહેવું છે.

આ અંગે મલ્ટિપ્લેક્સના માલિક જૈનિલ શાહે જણાવ્યું કે, મિનિપ્લેકસે 100થી 150 કરોડથી વધુનું રોકાણ કર્યુ છે. અચાનક સિલ અને સ્પષ્ટતા વિના સિલ કરવાના નિર્ણયને કારણે અનેક કર્મચારીઓની નોકરીનો પ્રોબ્લેમ થઈ શકે છે. છેલ્લાં 50 દિવસથી એજન્સી દ્વારા રખાવામાં આવેલા માણસો સાથે મેનેજર અને સ્ટાફનો પગાર કેમ ચૂકવવો તેની ચિંતા છે. કોઈ ચોક્કસ કારણ હોય તો તેનો અમલ કરવા અમે તૈયાર છીએ. પરંતુ AMC અધિકારીઓ સ્માર્ટપ્લેક્સને શા માટે બંધ કર્યા તે સવાલ છે.

બીજી તરફ મિનિપ્લેકસમાં કામ કરતાં આકાશભાઈએ જણાવ્યું કે, 8 વર્ષના અનુભવ બાદ સારા પગાર સાથે હું નોકરી પર જોડાયો હતો. જે બાદ સારો મોબાઈલ અને ગાડીનું સપનું પુરુ કર્યુ છે. હવે 1 મહિનાથી પગાર ન મળવાને કારણે મારા EMI અટકી પડ્યા છે. અચાનક આવી પડેલી મુશ્કેલીને કારણે ખૂબ જ તકલીફ વધી ગઈ છે. એવામાં સરકારની જવાબદારી એ છે કે જલ્દીથી મિનિપ્લેક્સ શરુ કરે, કારણ કે અન્ય કોઈ કામ માટે અમારી પાસે અનુભવ નથી કે જલ્દીથી અમને નોકરી મળી જાય. લગભગ આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં 1200 જેટલા લોકો બેરોજગાર બની જાય તેવી સ્થિતી ઉભી થઈ છે.

ગુજરાતના રાજકોટ જિલ્લામાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ધડાધડી કાર્યવાહી થઈ અને ગેમ ઝોન સહિત દરેક જગ્યા પર ચેકિંગ અને સીલીંગની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી. સરકારના નિયમોને આધીન સમગ્ર ગુજરાતમાં આ કાર્યવાહી થઈ પરંતુ અન્ય જિલ્લાના એક જ સરખી ડિઝાઈન હોય, એન્ટ્રી-એક્ઝિટ હોય છતાં અન્ય જિલ્લાના મિનિપ્લેક્સને ખોલી દેવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદમાં 25 જેટલાં મિનિપ્લેક્સને આજ દિન સુધી ખુલ્યા નથી. 

 અમદાવાદ કલેક્ટર દ્રારા મિનિપ્લેક્સ લાયસન્સ આપવામાં આવ્યું છતાં. કલેક્ટરના ઓર્ડરને ગણકારીને અમદાવાદ મહાનગરપાલિકા કામ કરી રહ્યું હોવાની વાત માલિકોએ કરી છે. AMCમાં બેઠેલા સત્તાધીશો નિદ્રાધીન બનીને 1200 લોકોની નોકરી પર સવાલ ઉઠે તેવાં કામ કરી રહ્યા હોવાનું માલિકોએ જણાવ્યું હતું.

(9:34 AM IST)