<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

મહિસાગરના મુવાડા ગામના વજેસિંહે ૪-૪ ગોળીઓ લાગવા છતા પાકિસ્‍તાનીઓને ઉભી પુંછડીએ ભગાડેલ

આજે કારગીલ વિજય દિવસઃ આંતરિયાળ ગામના જવાનની વીર ગાથા વજેસિંહ કારગીલ યુધ્‍ધ લડતા હોવાની ઘરના લોકોને ખબર પણ ન હતીઃ તેઓ ઘરે આવતા સમગ્ર ગામમાં ગર્વનો માહોલ સર્જાયેલ

અમદાવાદ તા.૨૬: કારગીલ વિજય દિવસને આજે ૨૫ વર્ષ થયા છે ત્‍યારે યુદ્ધની કહાની મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્‍તારના ટીંબાના મુવાડા ગામના વતની વજેસિંહ અમરાભાઇ પગીના મુખે જાણીએ.કારગીલ યુદ્ધ ૩ મે ૧૯૯૯ ના રોજ પાકિસ્‍તાન સાથે થયું હતું. જેમાં ૨૬ જુલાઈ ૧૯૯૯ ના રોજ સંઘર્ષ સમાપ્ત થતા દર વર્ષે ૨૬ જુલાઈના રોજ કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચાંપેલી ટીંબાના મુવાડા ગામના વતની પગી વજેસિંહ અમરાભાઈએ ૨૩ વર્ષની ઉંમરે આર્મીમાં પોતાની સેવા આપી હતી.યુદ્ધનું એ મંજર ભુલાતું નથી. કારગીલ યુદ્ધમાં વજેસિંહ અમરાભાઈ પગી પોતાની દેશભાવના પ્રબળ બનાવી યુદ્ધમાં સહભાગી થયા હતા. વજેસિંહ પગીને આ લડાઈમાં ગોળી વાગતા તેમનો જમણો પગ નિષ્‍ક્રિય થયો હતો. કારગીલ યુદ્ધમાં પોતાનો ઉમદા સિંહ ફાળો આપીને જિલ્લા સહિત દેશનું નામ રોશન કરીને અનેકો મેડલ પણ મેળવ્‍યા છે.

દેશ તરફથી કારગીલ યુદ્ધમાં પોતાના સાથી સૈનિકો સાથે મળીને દેશ કાજે લડીને ઓપરેશન વિજય મેડલ સહિત કુલ આઠ જેટલા મેડલો પણ તેમને મળ્‍યા છે. ત્‍યારે તેમણે અંતરિયાળ વિસ્‍તાર ટીંબાના મુવાડા ગામનું નામ રોશન કર્યું છે. આજે એ સમયને ૨૫ વર્ષ વીતી ગયા છે. છતાં પણ તેમના મગજમાંથી યુદ્ધની યાદો નીકળતી નથી. અનેક ઘટના છે જે આજે પણ વજેસિંહને વિચલિત કરી રહ્યા છે.

વજેસિંહ જણાવે છે કે તેઓની પસંદગી કારગીલ યુદ્ધ માટે થઈ ત્‍યારે માઇનસ ડિગ્રીમાં ઊંચા હિલ ઉપર યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં હિંમતપૂર્વક દેશ માટે લડીને પાકિસ્‍તાની સૈનિકોને ધૂળ ચટાડી હતી. તે સમયે જ્‍યારે કારગીલ યુદ્ધમાં જવાનું થયું ત્‍યારે ઘર પરિવારને પણ ખબર નહોતી કે તેઓ યુદ્ધ લડવા ગયા છે. જ્‍યારે ૨૦ દિવસના યુદ્ધમાં તેઓને ગોળી વાગી ત્‍યારે પરિવારને ખબર પડી. તેમનો પરિવાર એ સમયે દુઃખી પણ થયો હતો. બીજી તરફ યુદ્ધના વિજય ઉત્‍સવમાં તેમના પરિવારને વજેસિંહ દેશની સેવા કરી તેનો ગર્વ પણ હતો.

તેમના પત્‍ની મંજુલાબેન પગી તે સમયે ૨૧ વર્ષની ઉંમરના હતા અને દીકરો માત્ર દોઢ વર્ષનો હતો. જ્‍યારે યુદ્ધમાં ગયા ત્‍યારે તેમની પત્‍નીને ખ્‍યાલ પણ ન હતો. જ્‍યારે તેઓ ઘાયલ થયા અને ઘરે પરત ફર્યા ત્‍યારે તેમને ખ્‍યાલ આવ્‍યો કે તેમના પતિએ કારગિલ યુદ્ધમાં પાકિસ્‍તાની સૈનિકોને ધૂળ ચટાડી દીધી. તેમને તેનો ખુબ આનંદ છે કે તેમના પતિ દેશ માટે લડાઈ લડી પરત આવ્‍યા.

જયારે વજેસિંહ પગીના પિતા અમરાભાઈ પગીએ જણાવ્‍યું કે તેમનો એક પુત્ર જ્‍યારે ગામમાંથી સૈન્‍ય દળમાં ભરતી થયો, ત્‍યારે ગામમાં એક ગર્વનો માહોલ હતો. મને એ વાતનો ગર્વ છે કે મારા પુત્રએ કારગીલ યુદ્ધમાં દેશનું પ્રતિનિધિત્‍વ કરી પાકિસ્‍તાની સૈન્‍યને પીછે હટ કરવા મજબૂર કર્યા અને મારું, મારા પરિવારનું અને દેશનું નામ રોશન કર્યું તેનો આજે પણ મને ગર્વ છે

(1:33 PM IST)