News of Friday, 26th July 2024
ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ : ઠાકોર શબ્દ પ્રયોજવામાં આવશે; જીઆર બહાર પડ્યો
આ જાતિના લોકોને શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને મહેસુલી રેકોર્ડમાં , પંચાયતી રેકોર્ડ સહીત અન્ય સરકારી રેકોર્ડમાં ઠાકરડાના સ્થાને ઠાકોર શબ્દનો ઉલ્લેખ કરવાનો રહેશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના તા.૦૧/૦૪/૧૯૭૮ ના ઠરાવ ક્રમાંક:બીસીઆર-૧૦૭૮/૧૩૭૩૪/હ તથા સરકારના વખતોવખતના ઠરાવોથી કુલ-૧૪૬ જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ યાદીમાં ક્રમાંક: ૭૨ પર "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી” જાતિનો સમાવેશ કરવામાં આવેલ. આ સમાજના લોકો "ઠાકરડા" શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારને મળેલ છે. આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે “ઠાકરડા” શબ્દ પર પ્રતિબંધ મૂકી, તેને સ્થાને "ઠાકોર" શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
આમુખમાં નિર્દિષ્ટ પૂર્વભૂમિકા અન્વયે સક્ષમ કક્ષાએ થયેલ પુખ્ત વિચારણાના અંતે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: ૭૨ પર સમાવિષ્ટ "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" પૈકી "ઠાકરડા" શબ્દનો પ્રયોગ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. આથી, જ્યાં જાતિ તરીકે "ઠાકરડા" શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ “ઠાકોર" સમજવું તેવી સ્પષ્ટતા આથી કરવામાં આવે છે
આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે “ઠાકરડા” લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં "ઠાકરડા” તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને "ઠાકોર" સમજવાનું રહેશે. અર્થાત “ઠાકરડા” જાતિના નાગરિકોના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate)માં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત લોકોને "ઠાકરડા" ના સ્થાને "ઠાકોર” તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં "ઠાકોર" શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
જાતિ પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરવામાં આવેલ સક્ષમ અધિકારીઓ સહિત અન્ય તમામ સંબંધિત અધિકારીઓ સરકારના આ નિર્ણયથી વાકેફ થાય અને તેનો ચુસ્તપણે અમલ થાય તે માટેની તજવીજ તમામ વહીવટી વિભાગો અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણએ કરવાની રહેશે. આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર સરકારની તા.૨૦/૦૭/૨૦૨૪ના રોજ મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
