News of Sunday, 28th July 2024
અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી
સંયુક્ત પરિવાર અને મકાન સંકડામણવાળું હોવાથી તેના પિતાએ નવુ મકાન આપવાની વાત કરતા સાસરિયાઓએ મકાન વહેચી રૂપીયા લઇ લેવા માટે દબાણ કરતા હતા

અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેરમાં ક્રાઇમના બનાવામાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ સાથે ગુનાખોરીની પ્રવુતિ વધી રહી છે. આવો જ એક બનાવ શહેરમાંથી સામે આવ્યો છે. રાત્રિના સમયે સાસુ સસરા અને જેઠ ઘરમાં જુગાર રમાડવા જેવી અસામાજિક પ્રવૃત્તિ કરાવતા પરિણીતાએ આ બાબતનો વિરોધ કરતાં તેને બીભત્સ ગાળો બોલીને માર માર્યો હતો. સંયુક્ત પરિવાર અને મકાન સંકડામણવાળું હોવાથી તેના પિતાએ નવુ મકાન આપવાની વાત કરતા સાસરિયાઓએ મકાન વહેચી રૂપીયા લઇ લેવા માટે દબાણ કરતા હતાં. અંતે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. બનાવની વિગતો જોઈએ તો, પરિણીતાને શાહપુરના એક યુવક સાથે પ્રેમ સંબંધ થતાં સમાજના રીત રિવાજ મુજબ ડિસેમ્બર ૨૦૨૩માં તેના લગ્ન કરાવ્યા હતાં. લગ્ન બાદ પરિણીતા તેના પતિ, સાસુ સસરા અને જેઠ જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. રાત્રિના સમયે તેના સાસુ સસરા તથા જેઠ ઘરમાં જુગાર રમાડતા હતાં અને નશા કરાવતા હતાં. જે પરિણીતાને ગમતુ ન હોવાથી તે આ પ્રવૃત્તિનો વિરોધ કરતી હતી. જેથી જ્યારે પણ ઘરમાં જુગાર રમાડવાનું શરૂ થાય ત્યારે તેનો પતિ પરિણીતાને તેના દાદા દાદીના ઘરે મુકી આવતો હતો. સાસરાનું ઘર મકાન સંકડામણવાળું હોવાથી પરિણીતા કરીયાવરમાં આપેલ સરસામાન અલગ અલગ જગ્યાએ રાખતી હતી.લગ્નના કેટલાક દિવસ બાદ પરિણીતાના પિતાએ તેને મકાન અપાવવાની વાત કરતાં તેના સાસરીયા મકાનના બદલે પૈસા લઇ આવવા માટે દબાણ કરતા હતાં. લગ્નના અઠવાડિયા બાદ જ તેના સાસરિયા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જમવાનું પણ સમયે આપતા ના હતાં. જો તે તેના જેઠને ઘરમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ નહી કરવા માટે કહે તો તેને બીભત્સ ગાળો બોલીને બોલાચાલી ઝઘડો કરતા હતા. ગત ૧૪મી જુલાઇના દિવસે પરિણીતાના પિતાના ઘરે દાવત રાખવામાં આવી હતી. જેથી પરિણીતા અને તેનો પતિ ત્યાં આવ્યા હતાં. જમ્યા બાદ તેઓ તેના ભાઇ સાથે દાદાના ઘરે ગયા હતાં. જ્યાં લોબીમાં પરિણીતાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો. બાદમાં તેનો પતિ તેને થપ્પડ મારીને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ પરિણીતાએ ઘરે આવીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. આ મામલે પિતાએ પરિણીતાના પતિ, સાસુ સસરા, અને જેઠ વિરુદ્ધમાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. પોલીસે આ મામલે ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
