તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 28th July 2024
મહેસાણાના દૈનિક ૨૦ ટન ભીના કચરામાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ સ્થાપાશે
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ, કારોબારી સમિતિની બેઠકમાં મંજૂરી માટે મુકાયું

મહેસાણા, તા.૨૮
મહેસાણા શહેરમાંથી એકઠા થતા ભીના કચરામાંથી બાયોગેસ બનાવવાની કામગીરી માટે દૈનિક ૨૦ ટનની ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે પાલિકાએ કરેલી ટેન્ડર પ્રક્રિયામાં સૌથી ઓછો ભાવ રૂ.૪.૮૦ કરોડનો મળ્યો હોઈ કારોબારી સમિતિની બેઠકમાં મંજૂર કરાયા બાદ વર્કઓર્ડર આપીને પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ કરાશે.
મહેસાણા શહેરમાંથી દૈનિક ઉત્પન્ન થતો ઘન કચરો હાલમાં શોભાસણ રોડ પરની પાંચ ખેતરવાળી ડમ્પિંગ સાઈટ પર ઠલવાઈ રહ્યો છે.
નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘન કચરાના પ્રોસેસિંગ માટેનો પ્લાન્ટ નાખ?વાની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ શહેરમાંથી દૈનિક ઉત્પન્ન થતા ભીના કચરામાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ (મિથેન) ઉત્પન્ન કરવા માટેની પણ કવાયત હાથ ધરાઈ છે. જે અંતર્ગત દૈનિક ૨૦ ટન ભીના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન-૨ યોજના હેઠળ રૂ.૩.૬૦ કરોડ અને બીજા ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી મળીને કુલ રૂ.૪.૪૧ કરોડના ખર્ચના અંદાજ સાથેની ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી. જેની સાથે પ્લાન્ટ બનાવ્યા બાદ ભીના કચરાની પ્રોસેસ માટેનો પ્રતિ ટનનો ભાવ પણ મંગાવાયો હતો.
જેમાં ત્રણ એજન્સીઓએ ભાગ લીધો હતો. જે પૈકી એલ-૧ એજન્સી સુપર હાઈજેનિક ક્રિસ્પો સેલ્સ ઈન્ડિયા પ્રા.લિ.ના બાયોગેસ પ્લાન્ટ બનાવવાના ભાવ રૂ.૪.૮૦ કરોડ મળ્યા છે અને ભીના કચરાના પ્રોસેસિંગના પ્રતિ ટનના ભાવ રૂ.૨૮૫ મળ્યા છે. આગામી કારોબારી સમિતિની બેઠકમાં આ ટેન્ડર મંજૂરી માટે મુકાશે. ટેન્ડર મંજૂર કરીને વર્કઓર્ડર આપવામાં આવશે તેમ પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું. વર્કઓર્ડર આપ્યા બાદ પ્લાન્ટ તૈયાર કરવાની સમયમર્યાદા ૯ મહિનાની હોઈ લગભગ મહાનગરપાલિકા જાહેર થાય ત્યાર બાદ આ પ્લાન્ટ કાર્યરત થાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનિય છે કે, આ પ્લાન્ટમાં યુટીલીટી વોટર સ્ટોરેજ ટેક્ન, મિક્સર ટેક્ન સહિત વિવિધ પ્રકારની ટેક્ન્સ, વિવિધ પ્રકારના પમ્પ, ઓફિસ કમ લેબોરેટરી રૂમ, ચાર જેટલા શેડ, બાયોગેસ જનરેટર્સ, ઈલેક્ટ્રીક પેનલ, પાઈપો સહિત જરૂરી મશીનરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે.
હાલમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના કલેક્શનમાં લોકો સૂકો અને ભીનો કચરો ભેગો જ નાખતા હોય છે, પરંતુ બાયોગેસ પ્લાન્ટ માટે ફરજીયાત પાલિકાએ સૂકો અને ભીનો કચરો જૂદો જૂદો મેળવવો પડશે. જે માટે પાલિકાએ પોતે તૈયાર થવાની સાથે સાથે શહેરીજનોને જાગૃત કરવા પણ કવાયત કરવી પડશે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
