<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

દીકરી સયાજી હોસ્પિટલમાં બાળ વિભાગમાં લઈ રહી હતી સારવારઃ દીકરીના મોતના આઘાતથી માંનો પણ જીવ ગયો

દીકરી અને માતાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ

વડોદરા, તા.૨૮

 વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળ વિભાગમાં બીમાર દીકરીને દાખલ કરવામાં આવી હતી. તેનું મોત નીપજતા તેની જાણ માતાને કરવામાં આવી હતી. દીકરીના મોતનો આઘાત સહન થતાં માતા બેહોશ બની હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું પણ મોત નીપજતા મિયાગામના નવીનગરી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.

કરજણ તાલુકાના મિયાગામની નવીનગરીમાં રહેતા ભુપત રાઠોડિયાની દીકરી બીમાર હતી. તેથી તેને વડોદરા સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. દરમિયાન દીકરીનું મોત નીપજ્યું હતું. તેની જાણ દીકરીની ૩૨ વર્ષની માતા હંસાબેનને કરવામાં આવી હતી. આઘાત સહન નહીં થતા હંસાબેન અર્ધ બેહોશ હાલતમાં સરી પડ્યા હતા. તેથી તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું કરજણ પોલીસે જણાવ્યું છે. આ બનાવના કારણે રાઠોડિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

(2:07 PM IST)