<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચે પાર્કિંગમાંથી અંદાજે 20 થી 25 લાખની કિંમતનું એમ ડી ડ્રગ્સ ઝડપાયું : પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ

ડિઝાયર કારમાં ૨ આરોપીઓ ડ્રગ્સની ખેપ મારવા આવ્યા હોવાની આશંકા : ગુજરાત રાજ્યમા ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો

વડોદરા તા.૨૮

 ગુજરાત રાજ્યમા  ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આમ છતાં રાજ્યમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે છાશવારે બનતી હોવાનું સામે આવે છે. રાજ્યના વિવિધ દરિયાકિનારેથી ડ્રગ્સ મળવાની ઘટના અવાર-નવાર સામે આવે છે, ત્યારે હવે વડોદરામાંથી MD ડ્રગ્સ મળ્યું છે.

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચે પાર્કિંગમાંથી શંકાસ્પદ એમ ડી ડ્રગ્સ ઝડપાયું. પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી શંકાસ્પદ એમ ડી ડ્રગ્સ સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, G J 02 J 7640 નંબરની ડિઝાયર કારમાં બંને આરોપીઓ શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવ્યા હતા. બંને ડ્રગ પેડલરો મહેસાણાના હોવાનું બહાર આવ્યું છે. એફએસએલની ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે. પોલીસને અંદાજે 20 થી 25 લાખની કિંમતનું એમ ડી ડ્રગ હોવાની આશંકા છે.

ગયા અઠવાડિયે જ SOGએ રાજકોટમાંથી 9.85 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. SOGએ રાજકોટમાંથી ડ્રગ્સ સાથે પાર્થ મકવાણા અને સાહિલ સોઢા નામના આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી પ્રતિગ્રામ 2 હજાર 500 રૂપિયામાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. જેથી SOGએ બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

થોડા દિવસ અગાઉ સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત SOG દ્વારા કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. SOGને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર 704માં રોકાયો છે. જે બાતમીના આધારે દરોડો પાડીને ચેતન શાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પોલીસને 354 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

(4:08 PM IST)