News of Wednesday, 31st July 2024
ખાનગી ફિટનેસ સેન્ટરમાં પેન્ડિંગ દંડ વસૂલાતમાં અખાડા
બાકી મેમોની વસૂલાત વગર ફિટનેસ થઇ જતા વાહનમાલિકો દંડ ભરવામાં ઉદાસીન

અમદાવાદ,તા.૩૧: રાજયના વાહન વ્યવહાર વિભાગે મોટા ઉપાડે હેવીથી માંડીને મધ્યમ, સ્કૂલવાન સહિતના મોટાભાગના વાહનોના ફિટનેસની ચકાસણીની સત્તા આરટીઓ પાસેથી આંચકી લઈ ખાનગી ફિટનેસ સેન્ટરોને સોંપી દીધી છે. પરંતુ વાહન વ્યવહાર વિભાગના આ નિર્ણયથી સરકારની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે.
કેમકે, અત્યાર સુધી કોઈપણ વાહનના ફિટનેસની ચકાસણી પહેલા વ્હીકલના બાકી તમામ મેમો (દંડ)ની વસૂલાત થતી હતી. વાહનમાલિક પેન્ડિંગ દંડ ભરે ત્યારબાદ જ આરટીઓમાં ફિટનેસની ચકાસણી થતી હતી. પરંતુ ખાનગી ફિટનેસ સેન્ટરના સંચાલકો પાસે પેન્ડિંગ દંડ વસૂલવાની કોઈ સત્તા જ નહીં હોવાથી બાકી દંડની
વસૂલાત વગર જ ફિટનેસ રિન્યૂ થઈ જાય છે. હવે બીજી શબ્દોમાં કહીએ તો વાહનમાલિકોમાં પેન્ડિંગ દંડ ભરવા મુદ્દે ઉદાસીનતા જોવા મળી રહી છે. પેન્ડિંગની દંડની વસૂલાત નહીં થતાં સરકારની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે. ટ્રાફિક નિયમ કે આરટીઓના ઓવરલોડના નિયમનો ભંગ કરતા પકડાઈ ત્યારે વાહનમાલિકને મેમો આપવામાં આવે છે. હવે આ મેમો ઓનલાઈન માધ્યમથી ભરી શકાય અથવા તો આરટીઓ કચેરીમાં ભરી શકાય છે. જો કોઈ વાહનમાલિક દંડ ભરવા નહીં આવે તો આરટીઓમાં કોઈપણ પ્રકારના કામકાજ અર્થે આવે ત્યારે સૌથી પહેલા દંડની રકમ વસૂલવામાં આવે છે. તેવી જ રીતે ભારે વાહનોના માલિકો વર્ષમાં એક વખત ફિટનેસ માટે આરટીઓ કચેરીમાં આવતા હતા. ફિટનેસની ચકાસણી માટે આવે ત્યારે તેઓની પાસેથી બાકી દંડની વસૂલાત કરી લેવામાં આવી હતી, પરંતુ હવે ફિટનેસની સત્તા આરટીઓ પાસેથી આંચકી લઈને ખાનગી ફિટનેસ સેન્ટરને સોંપી દેવાઈ છે. જેને પગલે પેન્ડિંગ દંડની વસૂલાત પણ અટકી ગઈ છે. કેમકે, ખાનગી ફિટનેસ સેન્ટરના સંચાલકો કયા વાહનમાલિકનો કેટલો દંડ બાકી છે તેની વિગતો ચકાસી શકતા નથી. તેથી પેન્ડિંગ દંડની વસૂલાત કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમજ વાહનમાલિકોના વાહનનું ફિટનેસ કોઈપણ જાતની ઝંઝટ વગર રિન્યૂ થઈ જતું હોવાથી તેઓ સામેથી બાકી દંડની રકમ ભરવા આરટીઓ કચેરીએ જતાં જ નથી.
ખાનગી ફિટનેસ સેન્ટરો પર RTOનો કોઈ જ અંકુશ તથી
ખાનગી ફિટનેસ સેન્ટરોને તમામ પ્રકારના વાહનોના ફિટનેસ ચકાસણીની સત્તા આપી દેવાઈ છે. આ ફિટનેસની ચકાસણી સેન્ટરના કર્મચારીઓ જ દ્વારા કરવામાં આવે છે. થોડા સમય અગાઉ ખાનગી ફિટનેસ સેન્ટરના સંચાલકોની લાલિયાવાડી સામે આવી હતી. તેમજ રાજયના વાહન વ્યવહાર વિભાગે મોટાભાગના સેન્ટરોને સજાના ભાગરૂપે ૧૫થી ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. હવે લાલિયાવાડી સામે આવી હોવા છતાં ફિટનેસ સેન્ટરમાં વાહનના ફિટનેસની ચકાસણીની સમગ્ર પ્રક્રિયામાં આરટીઓને કોઈ અંકુશ આપવામાં આવ્યો નથી.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
