News of Wednesday, 31st July 2024
માહિતી આયોગમાં વિદાય અને સત્કાર
અમૃતભાઇ પટેલ અને આર.જે.કારિયાને નિવૃત્તિ વિદાયમાન : નવી ટીમના ડો. સુભાષ સોની, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, સુબ્રહમણ્યમ ઐયરનું સ્વાગત

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩૧ : ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃતભાઈ પટેલ તેમજ રાજય માહિતી કમિશનર શ્રી આર. જે. કારીઆનો કાર્યકાળ પૂર્ણ થતાં માહિતી આયોગ દ્વારા NFSU-ગાંધીનગર ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સમગ્ર માહિતી આયોગ દ્વારા તેઓને વિદાય આપવામાં આવી હતી.
આ ઉપરાંત સમારોહ દરમિયાન નવનિયુક્ત મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોની તેમજ ત્રણ રાજય માહિતી કમિશનર સર્વ શ્રી સુબ્રમનીયમ આર. ઐયર, શ્રી મનોજ વી. પટેલ અને શ્રી નીખીલ ભટ્ટને પુષ્પગુચ્છ આપી માહિતી આયોગ પરિવારમાં આવકારમાં આવ્યા હતા.
આ સમારોહના પ્રારંભે માહિતી આયોગના સચિવ શ્રી જયદીપ દ્વિવેદીએ શાબ્દિક સ્વાગત કરતા સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે વિવિધ મહાનુભવો દ્વારા મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃતભાઇ પટેલ તેમજ રાજય માહિતી કમિશનર શ્રી આર. જે. કારીઆની સુદીર્ધ સેવાઓ દરમિયાન હકારાત્મક અને સંવેદનશીલ અભિગમ તેમજ અજોડ વહીવટી કુનેહને બિરદાવવામાં આવી હતી. આ સાથે જ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા તથા સમર્પણ ભાવનાની પણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નોંધ લેવામાં આવી હતી.
પોતાનો કાર્યકાળ પૂર્ણ થતા મુખ્ય માહિતી કમિશનરશ્રી તેમજ રાજય માહિતી કમિશનરશ્રી દ્વારા તેમની સરકારી સેવા દરમિયાનના સંસ્મરણો અને અનુભવો રજૂ કર્યા હતા, સાથે જ તેઓએ સન્માન માટે સૌનો આભાર પણ માન્યો હતો.
આ સમારોહમાં પૂર્વ મુખ્ય માહિતી કમિશનર સર્વ શ્રી બલવંતસિંહ, શ્રી વી. એસ. ગઢવી અને શ્રી દીલીપ ઠાકર તેમજ પૂર્વ રાજય માહિતી કમિશનર સર્વ શ્રી કે. એમ. અધ્વર્યું અને શ્રી વી. પી. પંડ્યા ઉપરાંત સામન્ય વહીવટ વિભાગના અધિક સચિવ સહિત માહિતી આયોગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહના અંતે માહિતી આયોગના રજીસ્ટ્રાર શ્રી પ્રકાશ મોદીએ આભારવિધિ કરી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
