<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

રાજ્‍યમાં મોંઘવારીથી પિસાતી પ્રજા ઉપર બોજ, તોતિંગ વધારા સાથે કોલેજોનું ૩ વર્ષનું નવું ફી માળખુ જાહેર

અમદાવાદ, તા., ૩૧: ટેકનિકલ કોર્સીસની ખાનગી કોલેજો-યુનિવર્સિટીઓની ફી નક્કી કરતી ફી રેગ્‍યુલેશન કમિટી દ્વારા અંતે રાજ્‍યની ૧૦૧ ખાનગી કોલેજો- યુનિ.ઓની નવી ફી  જાહેર કરી છે. ફી કમિટી દ્વારા ગત વર્ષે નવુ ફી માળખુ નક્કી કરાયુ હતુ. પરંતુ ૧૦૧  કોલેજોએ પાંચ ટકાથી વધુ ફી વધારો માંગ્‍યો હોવાથી ડોકયુમેન્‍ટ વેરિફિકેશન-સ્‍ક્રુટિની સહિતની પ્રક્રિયા કરવાની હોઈ તેમાં એક વર્ષ સમય લાગ્‍યો છે.

આ ૧૦૧ કોલેજોની ગત વર્ષથી લાગુ થાય તે રીતની ત્રણ વર્ષની નવી ફી જાહેર કરાઈ છે.જેમાં સૌથી વધુ ૮૦ ટકા સુધી ફી વધારો એમબીએમાં અને ૫૫ ટકા સુધી આર્કિટેકચરમાં આપવામા આવ્‍યો છે. પરંતુ ગત વર્ષની ફી આ વર્ષે જાહેર થતા વિદ્યાર્થીઓને મોટો તફાવત ભરવો પડશે અને વાલીઓ માથે મોટો આર્થિક બોજ પડશે.

આવશ્‍યક ચીજોના સતત વધી રહેલા ભાવ અને ટેક્‍સમાં કોઈ રાહત નહીં મળતા મોંઘવારીથી પિસાઈ રહેલી પ્રજા ઉપર કોલેજ ફીનો તોતિંગ વધારો આવી પડ્‍યો છે. એટલુ જ નહીં ફી રેગ્‍યુલેશન કમિટીએ જાહેર કરેલી ફી ૨૦૨૩-૨૪ના વર્ષથી લાગુ પડશે એટલે કે વાલીઓએ ચાલુ વર્ષે ફી વધારો ચુકવવા ઉપરાંત ગત વર્ષની ફીમાં પણ વધારો ચુકવવો પડશે આમ ડબલ બોજ પડશે.

ગુજરાતમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્‍લોમા ઈજનેરી, ડિગ્રી ફાર્મસી, ડિપ્‍લોમા ફાર્મસી, એમ.ઈ, એમ.ફાર્મ, એમબીએ, એમસીએ, બી.આર્કિટેકચર, એમ.પ્‍લાનિંગ અને હોટલ મેનેજમેન્‍ટ સહિતના વિવિધ ટેકનિકલ કોર્સીસની ૬૨૧ ખાનગી કોલેજો ગત વર્ષે ફી નિર્ધારણની પ્રક્રિયા સમયે રાજ્‍યમાં નોંધાયેલી હતી. ફી કમિટી દ્વારા અગાઉ કોરોનાના સમયમાં ફી નિર્ધારણ થયુ ન હતુ અને ગત વર્ષે ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ સુધીના ત્રણ વર્ષ માટે ફી નિર્ધારણ પ્રક્રિયા કરવાની હતી.

(2:51 PM IST)