News of Friday, 2nd August 2024
ભાજપ દ્વારા તિરંગા યાત્રાઃ હર ઘર તિરંગા અભિયાન
તા. ૧૧ થી ૧૩ દરેક જિલ્લા-મહાનગરમાં યાત્રાઃ મહાપુરૂષોની પ્રતિમાઓને પુષ્પાંજલી

રાજકોટ,તા. ૨: ગુજરાત ભાજપ દ્વારા આઝાદી પર્વ નિમિતે હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યકક્ષાએ કાર્યક્રમના સંકલન માટે ગોરધન ઝડફિયા, પરેશ પટેલ (મામા), અમૂલ ભટ્ટ, હિમતભાઇ પડશાળા અને બિપીન ઓઝાને જવાબદારી સોંપાયેલ છે.
પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા એકમોને પત્ર પાઠવાયો છે કે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે વર્ષોથી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ દેશવાસીઓ સાથે ખૂબ જ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્મો દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરતા આવ્યા છીએ.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મન કી બાત કાર્યક્રમની ૧૧૨મી આવૃત્તિમાં કહ્યું કે, ‘મારા વ્હાલા દેશવાસીઓ, ૧૫મી ઓગસ્ટનો દિવસ દૂર નથી અને હવે તો ૧૫મી ઓગષ્ટની સાથે એક બીજુ હર ઘર તિરંગા અભિયાન પણ જોડાયેલ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હર ઘર તિરંગા અભિયાન માટે દરેક દેશવાસીઓનો ઉત્સાહ તેની પરીકાષ્ઠાએ છે. દરેક વ્યક્તિ તિરંગો ફરકાવીને ગર્વ અનુભવે છે. તિરંગાની સાથે સેલ્ફી લઈને સોશીયલ મીડીયા પર પોસ્ટ કરવાનો ક્રેઝ છે. કોઈ કોલોની કે સોસાયટીમાં એક ઘર પર તિરંગો લહેરાય છે તે પછી જોત જોતામાં બીજા ઘરો પર પણ તિરંગા લહેરાતા જોવા મળે છે એનો અર્થ એ થયો કે, હર ઘર તિરંગા અભિયાન તિરંગાની આન-બાન-શાન સાથેનો અનોખો ઉત્સવ બની ગયેલ છે.
રાષ્ટ્રધ્વજ તમામ પોસ્ટ ઓફિસો તેમજ અન્ય વેચાણ કેન્દ્રો પર તો મળશે જ તેમજ પક્ષ દ્વારા દરેક શક્તિકેન્દ્રો અને દરેક બૂથમાં પણ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થાય તેની ખાતરી પક્ષે કરવી અને મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ ખરીદે એ માટે લોકોને પ્રોત્સાહિત કરવા. કાર્યક્રમ માટે સ્થાનિક સંયોજકોની નિમણુક થશે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાની સૂચના મુજબ નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન છે.
૧) તા. ૧૧ થી ૧૩ ઓગષ્ટ દરમિયાન દરેક જીલ્લા મહાનગરોમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવું. આ યાત્રાઓનું આયોજન યુવા મોરચાની આગેવાની હેઠળ થશે અને પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ તેમાં સહભાગી થશે.
૨) તા. ૧૨ થી ૧૪ ઓગષ્ટ દરમિયાન જીલ્લા/મહાનગરમાં આવેલ મહાપુરુષોની પ્રતિમાઓ, બહાદુર પુત્રોની પ્રતિમાઓને અને સ્મારકો પર સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો
૩) તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન કરોડો દેશવાસીઓ સાથે દરેક કાર્યકર્તાઓ દરેક ઘર અને વ્યાવસાયિક કેન્દ્રો પર હર ઘર તિરંગા' ફરકાવવાનું આયોજન કરવું. આ કાર્યક્રમોમાં બાળકોની સહભાગિતા સુનિヘતિ કરવી કે જેથી તેઓ પણ રાષ્ટ્રીય એકતાની ભાવનાથી ઓતપ્રોત થાય.૪) તા. ૧૪મી ઓગષ્ટ ‘વિભાજન વિભિષિકા' સ્મૃતિ દિવસ એટલે ભારતનું વિભાજન અને મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ બળજબરીથી સ્થળાંતરની પીડાદાયક ઘટના. આ પ્રસંગે વિભાજનના કાળા અધ્યાયની યાદ સાથે જીલ્લા/મહાનગર સ્તરે એક સેમિનાર/ગોષ્ઠીનું આયોજન કરી વિભાજન કાળમાં મૃત્યુ પામેલ લાખો લોકોને શ્રદ્ધાંજલિ અપાશે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
