<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

આજે પણ રાજયના અનેક જિલ્લાઓમાં મેઘરાજા સટાસટી બોલાવશે

રાજયમાં સીઝનનો સરેરાશ ૬૬.૩પ ટકા વરસી ગયો : હવામાન ખાતુ : વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને તાપીમાં અતિભારે તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં સામાન્‍ય વરસાદ પડશે : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ, તા. પ : અનેક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં તેમજ પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં મધ્‍યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં સામાન્‍ય તેમજ ભરૂચ અને નર્મદામાં સામાન્‍ય વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.

આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. રાજ્‍યમાં હજુ સુધી સીઝનનો સરેરાશ ૬૬.૩૫ ટકા વરસાદ વરસ્‍યો છે. આજે પ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ જેને લઈ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને તાપીમાં અતિભારે વરસાદની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસ રાજ્‍યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરાઈ છે.

હવામાન વિભાગના ડાયરેક્‍ટર એ. કે દાસે હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્‍યું કે આજે કેટલાક જિલ્લાઓમાં અત્‍યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્‍યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્‍યંત ભારે વરસાદની આગાહીની સાથે સાથે રેડ અલર્ટ આપવામાં આવ્‍યું છે. જયારે પાટણ, મહેસાણા, સુરત, તાપી અને, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્‍જ એલર્ટ આપવામાં આવ્‍યું છે. તો બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે.

(12:16 PM IST)